સામાન્ય વરસાદમાં રોડની ભયજનક હાલત થઈ જવા છતાં અકસ્માતની રાહ જોતું તંત્ર
મોરબી ડેઈલી : મોરબી શહેરના નઝરબાગ ફાટકથી લઈને ભડીયાદ સુધીનો માર્ગ હાલમાં અતિ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. ખાસ કરીને નઝરબાગ રેલવે સ્ટેશનથી ફાટક સુધીનો રસ્તો અત્યંત ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
આ રોડ વિશે મળતી માહિતી મુજબ, લગભગ 1 વર્ષ પહેલા આ ડામર રોડ મંજુર પણ થઈ ગયો હતો. પરંતુ કોઈ કારણોસર કામગીરી ટલ્લે ચડી જવાના લીધે છેલ્લા 3 થી 4 વર્ષથી લોકો આ યાતના ભોગવી રહ્યા છે. વરસાદ બાદ આ રોડ પર એટલા બધા મસમોટા ખાડાઓ પડી ગયા છે કે વાહનચાલકોને કેડના દુખાવાની સમસ્યાઓ ઉભી થઈ છે. ટુ-વ્હીલર પર પાછળ બેઠેલી વ્યક્તિઓને ખાડાઓના કારણે પડી જવાનો ભય સતત સતાવતો રહે છે. ખાડાઓના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે અને જ્યારે રેલવે ફાટક બંધ હોય ત્યારે અહીં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાય છે.
તંત્ર દ્વારા ગઈકાલે જ આ રોડ પર ઝીણી ડસ્ટ અને કપચી નાખવામાં આવી હતી. પરંતુ માત્ર 1 થી 2 ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં જ આ બધું ધોવાઈ ગયું છે અને રોડ પર ગણી ન શકાય તેટલા અસંખ્ય ખાડાઓ ફરીથી જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોની મહાનગરપાલિકા પાસે ઉગ્ર માંગ છે કે આ રોડનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે. ચોમાસાની ઋતુમાં જો નવો રોડ બનાવવો શક્ય ન હોય, તો પણ લોકોને ચાલવા અને વાહન ચલાવવા યોગ્ય રસ્તો બને તેવી હંગામી વ્યવસ્થા તાત્કાલિક ઉભી કરવામાં આવે, જેથી લોકોને આ રોજિંદી અને ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળે.











