મોરબી ડેઈલી : વાંકાનેર તાલુકા પોલીસે મહીકા ગામ પાસે હાઇવે રોડ પરથી પસાર થતી એક સફેદ કલરની કારમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર ચાલકને પકડી પાડી કુલ 5,95,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી. વી. પટેલ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મહીકા ગામ પાસે પહોંચતા કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમારને બાતમી મળી હતી કે, એક સફેદ કલરની કાર (રજીસ્ટ્રેશન નંબર GJ-07-DA-8030) માં દેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવી રહી છે અને વાંકાનેર ગામ તરફ જનાર છે. આ સચોટ બાતમીના આધારે પોલીસે મહીકા ગામ પાસે વોચ ગોઠવી હતી.
બાતમીવાળી સફેદ કાર આવતા પોલીસે ચાલકને ઉભી રાખવા હાથનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખી ન હતી અને નાસવા લાગ્યો હતો. જેથી પોલીસે કારનો પીછો કરીને મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનથી કોર્ડન કરી કારને ઉભી રખાવી હતી. કારની તલાશી લેતા અંદરથી 1,90,000 ની કિંમતનો 950 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક રફિક ઉર્ફે રફલો હબિબભાઇ વિકીયાણી (ઉ.વ. 37, રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર) ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી પાસેથી 1,90,000 નો દારૂ, 4,00,000 ની કાર અને 5,000 નો મોબાઈલ ફોન મળીને કુલ 5,95,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઇ બી. વી. પટેલ સાથે સર્વેલન્સ ટીમના ક્રિપાલસિંહ ચાવડા, રામભાઇ મંઢ, સતીષભાઇ કમોયા, દિનેશભાઇ બાવળીયા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, બ્રીજેશભાઇ બોરીચા, સાંમતભાઇ છુછીયા, રાજેશભાઈ પલાણી અને અશ્વિનભાઈ રંગાણી જોડાયા હતા.











