માતાજીના ગરબા પૂર્ણ થયા બાદ નવ દિવસ મંડળી રાસની રમઝટ જામશે; સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ જ લઈ શકશે લાભ
મોરબી ડેઈલી : અજય લોરિયા દ્વારા સંચાલિત ‘સેવા એજ સંપત્તિ’ ફાઉન્ડેશન દ્વારા શહીદ જવાનોના પરિવારજનોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દર વર્ષે ખેલૈયાઓ માટે કંઈક નવું આકર્ષણ ઉમેરવામાં આવે છે. ત્યારે આ વર્ષે સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓ માટે ‘પાટીદાર પરીંદે’ (મંડળી રાસ)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
નવરાત્રીના નવ દિવસ દરમિયાન દરરોજ રાત્રે માતાજીના ગરબા પૂર્ણ થયા બાદ મંડળી રાસનું આયોજન કરવામાં આવશે. પરંપરાગત મંડળી રાસની રમઝટ સાથે ખેલૈયાઓ નવરાત્રીના ઉત્સવનો અનોખો આનંદ માણી શકશે.
આ વિશેષ આયોજનનો લાભ માત્ર પાટીદાર નવરાત્રી મહોત્સવના સિઝન પાસ ધરાવતા ખેલૈયાઓને જ મળશે. ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે.











