મોરબી ડેઈલી : મોરબીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમે બાતમીના આધારે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. SOG પોલીસે 1 કિલો 345 ગ્રામ ગાંજો અને અન્ય સામગ્રી સહિત કુલ 73150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ તેમજ પોલીસ અધીક્ષક, મોરબીની સુચના અન્વયે SOG પોલીસ ઇન્સ્પેકટર દ્વારા નાર્કોટિક્સ માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો સામે કાર્યવાહી કરવા જણાવાયું હતું. આ દરમિયાન SOG ટીમને બાતમી મળી હતી કે રફાળેશ્વર ખાતે રહેતો દિપકભાઇ ડાયાભાઇ ભંખોડીયા પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો રાખીને ગ્રાહકોને ખાનગીમાં વેચી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી દિપકભાઇ ડાયાભાઇ ભંખોડીયા (ઉંમર 39) ઝડપાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી 67250 રૂપિયાની કિંમતનો 1 કિલો 345 ગ્રામ ગાંજો, ગાંજાના વેચાણના 700 રૂપિયા રોકડા, 5000 રૂપિયાની કિંમતનો 1 મોબાઈલ ફોન અને 200 રૂપિયાની કિંમતનો 1 ઈલેક્ટ્રીક વજન કાંટો એમ કુલ 73150 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે આરોપી સામે NDPS એક્ટની કલમ 8(C), 20(B) (2-B) અને 29 મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ માટે મોરબી તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો છે.










