હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે વાડીએ મગફળી ઉપડવાનું કામ ચાલુ હોય વાડીએ ગયેલ યુવક મોડીરાત્રી સુધી ઘેર પરત ના આવવાની સાથે ફોન પણ ઉપડતો ન હોય પરિવારજનોએ તપાસ કરતા વાડીએ લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અજાણ્યા ઈસમોએ યુવકની ઘાતકી હત્યા કરી નાખતા બનાવ અંગે હાલ હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે રહેતા દલવાડી સમાજના શામજીભાઈ કરશનભાઇ જાદવએ હળવદ પોલીસ મથકમાં ગત મોડીરાત્રે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમનો ભત્રીજો અનિલભાઈ રામજીભાઈ જાદવ ઉ.27 વાડીએ મગફળી ઉપડવાનું કામ ચાલુ હોવાથી વાડીએ ગયો હતો.જે બાદ મોડીરાત્રી સુધી ઘેર પરત ન ફરતા મૃતકના પત્નીએ ફોન કર્યા હતા પરંતુ ફોન નો રીપ્લાય થતા પરિવારજનો વાડીએ તપાસ કરવા ગયા હતા.જ્યાં વાડીમાં એક ખાટલા પાસે અનિલભાઈનો લોહીથી લથભથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ બનાવમાં કોઈ અજાણ્યા ઈસમોએ મૃતક અનિલભાઈને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારી દેતા મોત નિપજ્યાનું સામે આવ્યું છે.
ચંદ્રગઢ ગામે થયેલી હત્યાના આ બનાવ અંગે હળવદ પોલીસે મોડી રાત્રે 3 વાગ્યે મૃતકના કાકા શામજીભાઈની ફરિયાદના આધારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ અનીલ રામજીભાઇ જાદવની હત્યા કરવા અંગે ગુન્હો દાખલ કર્યો છે. હાલ પોલીસે યુવાનની હત્યા શા માટે કરાઈ? કોને કરી તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરી છે સાથે આજુબાજુની વાડીના તેમજ મૃતકની વાડીના ખેત મજૂરોને લઈ પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.









