મોરબી જિલ્લામાં વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતો સત્યાગ્રહ 4 મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે. આ આંદોલનમાં જોડાયેલા ખેડૂતોને દબાવવા અને આંદોલન તોડવા માટે પ્રશાસન દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આંદોલન સાથે જોડાયેલા પ્રતીકભાઈ, હર્ષદભાઈ, કિશનભાઈ અને ઉમેશભાઈ સહિતના સક્રિય લોકોને વહીવટી તંત્ર દ્વારા દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું ખેડતો જણાવી રહ્યા છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ આંદોલનમાં સક્રિય ઉમેશભાઈના પત્ની અને ઘાટીલા ગામના સરપંચ હેતલબેનને મોરબી ડીડીઓ કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે. ઉમેશભાઈ જેતપર સત્યાગ્રહ છાવણીને સપોર્ટ કરતા હોવાથી અને ખેડૂતોના હિત માટે લડતા હોવાથી તેમના પત્નીને નોટિસ આપીને હેરાન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા 15 થી 20 દિવસથી તેમને આવી નોટિસો આપીને પરેશાન કરવામાં આવી રહ્યા છે અને ગત 8 તારીખે પણ તેમને નોટિસ આપવામાં આવી છે.
આ નોટિસમાં એવું જણાવાયું છે કે જુના ઘાંટીલા ગ્રામ પંચાયતને 15મા નાણાપંચ યોજના હેઠળ ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ટ્રેક્ટર ફાળવવામાં આવ્યું હતું. પરંતુ ગ્રામ પંચાયત દ્વારા ડિસેમ્બર-2025 થી 14 ઓગસ્ટ-2026 સુધી આ ટ્રેક્ટરનો કોઈ જ ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. ટ્રેક્ટરને બંધ રાખીને કચરાનું કલેક્શન કરવામાં ન આવતા ગ્રામજનોને સરકારની આ સેવાનો લાભ મળ્યો ન હતો, જે બાબત સરપંચની ફરજ પ્રત્યેની નિરસ્તા દર્શાવે છે. આ ઉપરાંત, સરપંચ દ્વારા જુના ઘાંટીલા ગામે આવેલ ગ્રામ પંચાયત હસ્તકના આચાર્ય ક્વાર્ટર, આઉટપોસ્ટનું મકાન, પંચાયત સ્ટોરરૂમ અને મંત્રી ક્વાર્ટરનું મકાન સક્ષમ સત્તાધિકારીની વહીવટી મંજૂરી મેળવ્યા વિના જ તોડી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, મનસ્વી રીતે મકાન તોડી પાડીને તેના કાટમાળનો નિકાલ પણ કરી દેવામાં આવ્યો હતો. આ બાબત સરપંચ દ્વારા હોદ્દાનો દુરુપયોગ કરી ફરજ બજાવવામાં દુર્વતન કરાયું હોવાનું સ્પષ્ટ કરે છે.
આ તમામ ગંભીર બાબતોને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ હેતલબેન જાકાસણીયા સામે કલમ 57(1) હેઠળ શા માટે પગલાં ન લેવા તે અંગે નોટિસ પાઠવી ખુલાસો માંગવામાં આવ્યો છે. આ માટે આગામી તારીખ 14/10/2026 ના રોજ સવારે 11:00 કલાકે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે આધાર-પુરાવા સાથે રૂબરૂ સુનાવણી માટે હાજર રહેવા જણાવાયું છે. જો સરપંચ હાજર નહીં રહે તો એકતરફી નિર્ણય લઈ નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ આ નોટિસના જવાબ માટે હેતલબેનને આવતીકાલે 14/10/2026 ને બુધવારના રોજ સવારે 11 વાગ્યે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે. ખેડૂતો અને સરપંચો દ્વારા શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ઘાટીલાના સરપંચનો વારો છે, તો કાલે અન્ય ગામના સરપંચનો પણ વારો આવી શકે છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. આથી, જેતપર સત્યાગ્રહ છાવણી દ્વારા મોરબી જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ-બહેનો અને તમામ ગામના સરપંચોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની ફરજ સમજીને આવતીકાલે સવારે 11 વાગ્યે મોટી સંખ્યામાં મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ઉપસ્થિત રહે અને એકતાનું પ્રદર્શન કરી જડબાતોડ જવાબ આપે.









