Friday, October 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખેડૂતોના પ્રશ્ને નારાજ ભાજપ અગ્રણી અલ્પેશ ઓડિયા 200 ટેકેદારો સાથે કોંગ્રેસમાં...

મોરબીમાં ખેડૂતોના પ્રશ્ને નારાજ ભાજપ અગ્રણી અલ્પેશ ઓડિયા 200 ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ, હજુ પણ ચૂંટણી સુધીમાં નવા જૂની થવાના એંધાણ

મોરબી ડેઈલી : મોરબી-માળિયા વિધાનસભા મતવિસ્તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. જેમાં મોરબીના મહેન્દ્રનગરના ભાજપના અગ્રણી અને મોરબી-માળિયા વિધાનસભાના ભાજપના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ અલ્પેશ ઓડિયા 200થી વધુ કાર્યકરો અને સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ખેડૂતોના પ્રશ્ને લાંબા સમયથી સરકાર અને ખાનગી વીજ કંપની સામે અવાજ ઉઠાવતા અલ્પેશ ઓડિયાએ અંતે ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મોરબીના રાજપર નજીક કોંગ્રેસ દ્વારા આયોજિત વિરાટ ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં તેમણે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.

મહેન્દ્રનગરના અલ્પેશ ઓડિયા સહિત તેમના સમર્થકો અને ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપી રહ્યા છે. ખાનગી વીજ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ નાખવાના પ્રશ્ને ખેડૂતોને યોગ્ય વળતર અને કાયમી નિર્ધારિત ભાડું મળે તે સહિતના મુદ્દે આ લડત ચાલી રહી છે. ખેડૂત પરિવારમાંથી આવતા અલ્પેશ ઓડિયા ખેડૂતોની મુશ્કેલીઓથી સારી રીતે વાકેફ હોવાથી ભાજપમાં હોવા છતાં તેમણે ખેડૂતોના હક્ક માટે સરકાર અને વીજ કંપની સામે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. છેલ્લા ચાર મહિનાથી આ મુદ્દે તેઓ સતત અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય અપાવવાની માગ સાથે લડત ચલાવી રહ્યા છે.

ખેડૂતોની જમીનમાં વીજપોલ સ્થાપિત કરવા બદલ યોગ્ય વળતર અને કાયમી ભાડાની વ્યવસ્થા કરવા અંગે સરકાર કે ખાનગી વીજ કંપની તરફથી કોઈ નક્કર કાર્યવાહી ન થતાં અલ્પેશ ઓડિયા નારાજ હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોના પ્રશ્ને વારંવાર રજૂઆતો અને વિરોધ છતાં ઉકેલ નહીં આવતાં તેમણે ભાજપથી છેડો ફાડીને કોંગ્રેસ સાથે જોડાવાનો નિર્ણય કર્યો હતો. રાજપર નજીક યોજાયેલી ખેડૂત આક્રોશ મહાસભા દરમિયાન અલ્પેશ ઓડિયા સાથે 200થી વધુ કાર્યકરો અને સમર્થકોએ પણ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ જોડાણને ખેડૂતોના પ્રશ્નો સાથે જોડાયેલી રાજકીય હિલચાલ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી-માળિયા મતવિસ્તારમાં ભાજપના અગ્રણીનો આ પક્ષપલ્ટો રાજકીય રીતે નોંધપાત્ર બન્યો છે. ખાસ કરીને ખેડૂત આંદોલનના મુદ્દે ભાજપ સાથે અસંતોષ ધરાવતા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતાં આગામી ચૂંટણીમાં કદાચિત ભાજપને અણધાર્યા પરિણામો સહન કરવા પડે તેવા સમીકરણોની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. અલ્પેશ ઓડિયા સાથે મોટી સંખ્યામાં સમર્થકોના પક્ષપ્રવેશથી ભાજપને સ્થાનિક સ્તરે રાજકીય પડકારનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી સુધીમાં પક્ષપલટા અને સંગઠનાત્મક ફેરફારોની વધુ ઘટનાઓ સામે આવે તેવી શક્યતા વચ્ચે મોરબીના રાજકારણમાં આગામી દિવસોમાં કેવાં નવાં સમીકરણો સર્જાય છે તેના પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments