મોરબી ડેઈલી: મોરબીથી નવલખી સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર અને જોખમી સ્થિતિમાં છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગની ખરાબ સ્થિતિ અંગે મોરબી તાલુકા પંચાયતના સભ્ય અલ્પેશ કોઠીયાએ આજે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે.
અલ્પેશ કોઠીયાએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી-નવલખી માર્ગ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને ઉપરનું ડામરનું લેયર તૂટી ગયું છે. આ ઉપરાંત, આ માર્ગ પર ઓવરલોડ વાહનો પણ પૂરપાટ ઝડપે દોડતા હોય છે. જેના કારણે અકસ્માતોની સંભાવના સતત વધી રહી છે અને અગાઉ પણ અનેક ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે, જેમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસા પછી પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ડામરની અછતના કારણે છેલ્લા 8 થી 10 દિવસથી કામગીરી બંધ હતી. આ અંગે અલ્પેશ કોઠીયાએ જણાવ્યું હતું કે, આ માર્ગ પર 50-50 ટનના ઓવરલોડ ડમ્પર અને રેતી ચોરીની ગાડીઓ પણ બેફામ દોડી રહી છે. આ ઓવરલોડ વાહનો પર RTO વિભાગ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું તે એક મોટો સવાલ છે. જો આ ઓવરલોડ વાહનો અને રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો સાથે મળીને જનતા રેડ અને રસ્તારોકો આંદોલન કરવામાં આવશે.
વધુમાં તેમણે રજૂઆતમાં મુખ્ય માંગણીઓ કરી છે કે, માર્ગનું તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, તમામ ખાડાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે અને જો જરૂરી જણાય તો માર્ગ નવેસરથી બનાવવામાં આવે. જો 7 દિવસની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આસપાસના ગ્રામજનોને સાથે રાખી આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
આ રજૂઆત બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, ડામરની અછતના કારણે કામગીરી થોડા દિવસ બંધ હતી, પરંતુ હવે કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે અને આગામી 10 થી 15 દિવસમાં આ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.










