૭૦૦ જેટલા ખેડૂતોની ઉપસ્થિતિમાં સરકારના નિર્ણયને આવકાર્યો, ખેડૂતોમાં ખુશીની લાગણી
મોરબી ડેઈલી : મોરબીના મચ્છુ-૨ કેનાલ કમાન હેઠળ આવતા ૧૪ ગામોના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શિયાળુ પાકના વાવેતર માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોએ કરેલી રજૂઆતને પગલે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને રાજ્ય સરકારે આ ૧૪ ગામોને સિંચાઈ માટે પાણી આપવાનો હકારાત્મક નિર્ણય લીધો છે.
ખેડૂતોની પાણીની જરૂરિયાત અને શિયાળુ પાકના વાવેતરને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણય બદલ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારના આ નિર્ણયને આવકારવા ૧૪ ગામોના આશરે ૭૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતલક્ષી નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા મહામંત્રી અરવિંદભાઈ વાંસદળીયા, મહાનગરપાલિકાના કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબીયા તથા મનપાની ડ્રેનેજ સમિતિના ચેરમેન નવનીતભાઈ કુંડારીયા ભાજપના અગ્રણી નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોના હિતમાં રજૂઆત કરી સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાતા ૧૪ ગામોના ખેડૂતોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી હતી.












