Saturday, November 14, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઉદ્યોગો માટે નવી ઔદ્યોગિક નીતિમાં સબસિડી અને સહાયનાં દ્વાર ખુલ્યાં

મોરબીના ઉદ્યોગો માટે નવી ઔદ્યોગિક નીતિમાં સબસિડી અને સહાયનાં દ્વાર ખુલ્યાં

‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026’ હેઠળ MSME એકમોને મૂડીરોકાણના 35% સુધી મૂડી સબસિડી, પાંચ વર્ષ સુધી 7% વ્યાજ સહાય અને વીજળી દરમાં રાહત સહિત અનેક પ્રોત્સાહનો

મોરબી ડેઈલી : મોરબી સિરામિક સહિત વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં દેશ-વિદેશમાં આગવી ઓળખ ધરાવતા મોરબીના ઉદ્યોગસાહસિકો માટે રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ આર્થિક પ્રોત્સાહનનું નવું માધ્યમ બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ–2026’ જાહેર કરવામાં આવી છે, જેમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME)ના વિકાસ, નવા ઉદ્યોગોની સ્થાપના, હાલના એકમોના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે વિવિધ નાણાકીય સહાય તથા સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. આ નીતિ 1 જૂન 2026થી 31 મે 2031 સુધીના પાંચ વર્ષના સમયગાળા માટે અમલી રહેશે.

‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા સાથે ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી તૈયાર કરાયેલી આ નીતિમાં નવા ઉદ્યોગસાહસિકો અને યુવાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્વનિર્ભર નાણાકીય વ્યવસ્થા ધરાવતા પ્રોજેક્ટ્સને પણ સહાય માટે પાત્ર બનાવવામાં આવ્યા છે. એટલે કે, હવે સરકારી પ્રોત્સાહનો મેળવવા માટે ટર્મ લોન લેવી ફરજિયાત રાખવામાં આવી નથી.

રોકાણના આધારે MSMEની ત્રણ શ્રેણી

નવી નીતિમાં પ્લાન્ટ અને મશીનરીમાં કરવામાં આવતા કુલ સ્થિર મૂડીરોકાણના આધારે ઉદ્યોગોની શ્રેણી નક્કી કરવામાં આવી છે. રૂ. 2.5 કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને સૂક્ષ્મ (Micro), રૂ. 2.5 કરોડથી વધુ અને રૂ. 25 કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને લઘુ (Small) તથા રૂ. 25 કરોડથી વધુ અને રૂ. 125 કરોડ સુધીનું રોકાણ ધરાવતા એકમોને મધ્યમ (Medium) ઉદ્યોગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

મૂડીરોકાણ પર 35% સુધી સબસિડી, વ્યાજમાં પણ રાહત

નવા ઉદ્યોગો શરૂ કરવા ઉપરાંત હાલના એકમોના વિસ્તરણ અને વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપવા તાલુકાની કેટેગરી પ્રમાણે મૂડી સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. કેટેગરી ‘A’ હેઠળના વિસ્તારોમાં પાત્ર મૂડીરોકાણના 35 ટકા અને કેટેગરી ‘B’ હેઠળના વિસ્તારોમાં 25 ટકા સુધીની મૂડી સબસિડી મળવાપાત્ર રહેશે.

આ ઉપરાંત બેંક લોન પર પાંચ વર્ષ સુધી વાર્ષિક 7 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. મહિલા ઉદ્યોગસાહસિકો, નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ અને 35 વર્ષથી ઓછી ઉંમરના પ્રથમ પેઢીના ઉદ્યોગસાહસિકોને વધારાની 1 ટકા વ્યાજ સહાય આપવાની વિશેષ જોગવાઈ પણ કરવામાં આવી છે.

વીજળીના બિલમાં રાહત અને વીજળી ડ્યૂટીમાંથી મુક્તિ

ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વીજળીનો મોટો હિસ્સો હોવાથી નવી નીતિમાં વીજ વપરાશ માટે પણ રાહત આપવામાં આવી છે. કેટેગરી ‘A’ હેઠળના વિસ્તારોમાં પાંચ વર્ષ સુધી પ્રતિ યુનિટ રૂ. 2 અને કેટેગરી ‘B’ હેઠળના વિસ્તારોમાં પ્રતિ યુનિટ રૂ. 1ની વીજળી દર સહાય મળશે. આ સાથે વીજળી ડ્યૂટીમાંથી મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે.

કર્મચારીઓથી લઈને ટેક્નોલોજી સુધી સહાયનો વ્યાપ

ઔદ્યોગિક એકમોમાં રોજગારી વધારવા અને કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા કર્મચારીઓ માટે 10 વર્ષ સુધી EPF સહાય આપવામાં આવશે. આ અંતર્ગત મહિલા કર્મચારીઓ માટે માસિક રૂ. 2,500 સુધી અને દિવ્યાંગ કર્મચારીઓ માટે માસિક રૂ. 3,000 સુધીની સહાયની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઉદ્યોગોમાં આધુનિક ટેક્નોલોજી અને ગુણવત્તા વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા ERP સિસ્ટમ અપનાવવા માટે 65 ટકા અથવા મહત્તમ રૂ. 1 લાખ, ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે 50 ટકા અથવા મહત્તમ રૂ. 10 લાખ તથા પેટન્ટ નોંધણી માટે 75 ટકા અથવા મહત્તમ રૂ. 25 લાખ સુધીની સહાય આપવામાં આવશે.

ભાડે સ્થળ રાખીને વ્યવસાય કરતા એકમો માટે ભાડા સહાયની પણ જોગવાઈ છે. સામાન્ય એકમોને ભાડાની રકમના 65 ટકા અને મહિલા માલિકીના એકમોને 75 ટકા સુધીની સહાય મળશે, જેની વાર્ષિક મહત્તમ મર્યાદા રૂ. 3 લાખ રહેશે.

વિશેષ ક્ષેત્રો અને AI ટેક્નોલોજી માટે પણ પ્રોત્સાહન

ભવિષ્યમાં વૈશ્વિક સ્તરે વિકસવાની સંભાવના ધરાવતા સ્પોર્ટ્સ ગુડ્સ, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોન ઉત્પાદન જેવા વિશેષ ક્ષેત્રોને પણ આ નીતિમાં આવરી લેવામાં આવ્યા છે. આવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઈની જોગવાઈ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવવા માટે મહત્તમ રૂ. 5 કરોડ સુધીની સહાય, કર્મચારી તાલીમ માટે પ્રતિ કર્મચારી પ્રતિ માસ રૂ. 8,000ની સહાય તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સબ્સ્ક્રિપ્શન ખર્ચના 80 ટકા અથવા વાર્ષિક મહત્તમ રૂ. 1 લાખ સુધીની સહાય આપવામાં આવશે. આ જોગવાઈઓથી ઉદ્યોગોમાં નવી ટેક્નોલોજી, ગુણવત્તા અને વૈશ્વિક ધોરણો અપનાવવાની દિશામાં પ્રોત્સાહન મળશે.

ઉત્પાદન શરૂ થયાના છ મહિનામાં અરજી કરવી જરૂરી

નવી ઔદ્યોગિક નીતિ હેઠળ મળવાપાત્ર સબસિડી અને વિવિધ સહાયનો લાભ મેળવવા માટે ઉત્પાદન શરૂ થયાની તારીખથી છ મહિનાની અંદર અરજી કરવાની રહેશે. તેથી પાત્રતા ધરાવતા ઉદ્યોગસાહસિકોએ જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા અંગે સમયસર માહિતી મેળવી અરજી કરવાની રહેશે. આ અંગે વધુ માર્ગદર્શન અને વિગતો માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC)નો સંપર્ક કરી શકાશે.

મોરબી સહિત ગુજરાતના MSME એકમો માટે મૂડીરોકાણ, વ્યાજ, વીજળી, રોજગારી, ટેક્નોલોજી અને ગુણવત્તા જેવા વિવિધ પાસાંને આવરી લેતી આ નીતિ ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી તૈયાર કરવામાં આવી છે. ખાસ કરીને નવા સાહસો શરૂ કરવા ઇચ્છતા યુવાનો અને વિસ્તરણની યોજના ધરાવતા ઉદ્યોગો માટે આ નીતિની વિવિધ સહાય યોજનાઓ ઉપયોગી બની શકે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments