મોરબીના ભરતનગર નજીક મિત્રને મળવા જઈ રહેલા યુવાનનું બોલેરો હડફેટે મોત
મોરબી : મોરબીના વીસીપરા નજીક આવેલ પટેલ બોર્ડિંગના રહેતા બે નવયુવાન પોતાના મિત્રને મળવા બાઈક લઈ ખોખરા હનુમાન મંદિર તરફ જતા હતા ત્યારે ગત તા.27ના રોજ ભરતનગર નજીક અજાણ્યા બોલેરો ચાલકે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જી નાસી જતા બાઈકમાં બેઠેલા કેમિકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કરતા કચ્છના ગઢશીશા ગામના વતની આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મૂળ બોટાદના લાઠીદળ ગામના યુવાનને ઇજા પહોંચી હતી. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી બોલેરો ચાલકને શોધવા તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસપરા વિસ્તારમાં આવેલ પટેલ બોર્ડિંગના રહી અભ્યાસ કરતા બોટાદ તાલુકાના લાઠીદળ ગામના વતની મિત મહેશભાઈ માથોળિયા ઉ.18 નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.27 માર્ચના રોજ જીજે – 13- એમએમ – 8543 નંબરનું બાઈક લઈ પોતે પોતાના મિત્ર પૂજન દિલીપભાઈ રૂડાણી ઉ.20 સાથે મિત્રને મળવા માટે ખોખરા હનુમાન તરફ જતા હતા ત્યારે ભરતનગર નજીક એક સફેદ કલરના બોલેરો પિકઅપ ચાલકે બાઇકને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મિતને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી જ્યારે બાઈક પાછળ બેઠેલા પૂજનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પૂજનનું મૃત્યુ નીપજ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અકસ્માતના મૃત્યુ પામનાર પૂજન દિલીપભાઈ રૂડાણી મૂળ કચ્છના ગઢશીશા ગામનો વતની હતો અને માતાપિતાનું એકને એક સંતાન હતો. પૂજન મોરબીની એલઇ એન્જીનીયરીંગ કોલેજમાં કેમિકલ એન્જીનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત સર્જ્યા બાદ આરોપી બોલેરો ચાલક નાસી ગયો હોય હાલમાં મોરબી તાલુકા પોલીસે અજાણ્યા બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










