મોરબી : મોરબી નજીક અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલના ગોડાઉનમાં લાગેલી ભયાનક આગ હજુ 19 કલાક બાદ 50 ટકા જેટલી જ કાબુમાં આવી છે. ફાયરની 7 ટિમો આ આગ ઓલવવા માટે કામે લાગી છે. આજે પણ માત્ર આ આગ સંપૂર્ણપણે નહિ પણ 70 ટકા જ કાબુમાં આવે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે.
માળીયા – હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલ લેમિત પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં ગઈકાલે રવિવારે સાંજે 4 વાગ્યે ભયાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ ભયંકર હોવાથી મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટ, ગોંડલ, ધ્રોલ, સુરેન્દ્રનગરની એક-એક ફાયર ટિમને બોલાવી હાલ 7 ટિમો પાણીનો મારો ચલાવી રહી હોવા છતાં આગ હજુ 50 ટકા જ કાબુમાં આવી છે અને આજે રાત સુધીમાં પણ આગ 70 જ ટકા કાબુમાં આવે તેવી સંભાવના છે.
હાલ આ આગ બુઝાવવાની જવાબદારી રિજનલ ફાયર ઓફિસર રાહુલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હળવદના ફાયર ઓફિસર રોહિત મહેતાને સોંપવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે આગ 50 ટકા કાબુમાં છે. કુલિંગ પ્રોસેસ ચાલુ છે. આગ હવે વધુ ફેલાઈ એવી પરિસ્થિતિ નથી. જથ્થો વધુ છે એટલે કામગીરી લાંબો સમય ચાલશે. રાત સુધીમાં 70 ટકા જેટલુ કામ થઈ જાય તેવી શકયતા છે. 200 મિટરનો શેડ છે. તેમાં મોટી સંખ્યામાં જથ્થો મુકેલો હતો. જેથી આ આગ ખૂબ વિકરાળ હતી એટલે આગ બુઝાવવાનું કામ પુરજોશમાં ચાલુ છે.








