Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજેભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સહભાગી...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છી નવા વર્ષ અષાઢી બીજેભુજ ખાતે કચ્છ કાર્નિવલમાં સહભાગી બની કચ્છીયતના રંગે રંગાયા

કચ્છ કાર્નિવલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી કચ્છી માડુઓ સાથે ઉજવી અષાઢી બીજ

કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

ભુજના હમીરસરકાંઠે કચ્છના ૨૫૦૦થી વધુ કલાકારોએ ૬૨ ફ્લોટ સાથે પોતાની કળાના કામણ પાથરી મુખ્યમંત્રીશ્રી તથા કચ્છવાસીઓને કર્યા મંત્રમુગ્ધ

ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ભાતિગળ સાંસ્કૃતિક કાર્યક્રમોના ઘેરા નાદથી ગુંજી ઉઠ્યો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ …………

– રિન્યૂએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજનના પ્રકલ્પો થકી કચ્છ ભારતનું પાવર હાઉસ બની અર્થતંત્રમાં મોટું યોગદાન આપશે
– વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને રણોત્સવ અને કાર્નિવલના માધ્યમ થકી દેશ અને દુનિયામાં ઝળકાવી

(પરેશ રાજગોર,ભૂજ)

ભુજ ખાતે આજરોજ કચ્છ કાનિર્વલનો શુંભારભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢીબીજની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ  આનંદ-પ્રમોદનું એક માધ્યમ છે. એમાંય કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને ઝમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત હોવાથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાન-પાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છ કાર્નિવલ તથા રણોત્સવનું આયોજન કરી કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી. વડાપ્રધાનશ્રીએ કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને “ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા” ની ટેગ લાઈન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઉભી કરી છે.  હાલ, કચ્છ વડાપ્રધાનશ્રીના વિકાસના વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે.

કચ્છ કાર્નિવલમાં કચ્છીયતના રંગે રંગાઇને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનશ્રીના પ્રેરક સૂચનને ઝિલનાર સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાને અભિનંદન પાઠવતા ઉમેયું હતું કે, વડાપ્રધાનશ્રીએ ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે. કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાનશ્રીએ કચ્છનું પૂર્નનિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વ વિખ્યાત બન્યું છે. વિકાસના કારણે જ યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


કચ્છના વિકાસની વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના વિઝન થકી ૨૦૦૧ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો  વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે. તેમના પ્રયાસોથી જ રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ – ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિમાર્ણ પામ્યું છે તેમજ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે. આમ, કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાનશ્રીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને પણ વિકાસના નવા આયોમોથી સાકાર કરી રહ્યું છે તેમાં કોઇ બેમત નથી.
કચ્છને એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે, ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રીડ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યૂએબલ એનર્જી ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ કંડલા ખાતે ૧૦ મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધા નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યુ છે. હાલ, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે તેમાં એનર્જી સેક્ટરનો ખૂબ મહત્વનો ફાળો છે. આમ, કચ્છમાં આ તમામ પ્રકલ્પોના નિર્માણથી આવનારા દિવસોમાં કચ્છ ભારતનું પાવર હાઉસ બનશે અને અર્થતંત્રમાં ખૂબ મોટું યોગદાન આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો. 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૧ વર્ષના સફળ કાર્યકાળ થકી દેશનો સર્વસમાવેશી, નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસ થયો હોવાનું જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે. દેશવાસીઓને દેશની શક્તિ, શુરવીરતા અને સમય કરતાં બે કદમ આગળ ચાલવાના સામર્થ્યથી ભારત કઈ સ્પીડ અને કેટલા સ્કેલથી વિકાસની નવી ઉંચાઈઓ આંબી શકે છે તેનો અનુભવ થયો છે. તેમણે દેશના આ અમૃતકાળને સૌ માટે કર્તવ્યકાળ ગણાવીને સામાજિક કર્તવ્યના ભાગ રૂપે કેચ ધ રેઈન, એક પેડ માં કે નામ, સ્વચ્છતા સૌનો સ્વભાવ બને, વોકલ ફોર લોકલ, આરોગ્યપ્રદ જીવનશૈલી, ગરીબોની સહાય, દેશદર્શન, પ્રાકૃતિક ખેતી અપનાવવી દેશ હિતના આવા નવ સંકલ્પો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ માટે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો.


         આ પ્રસંગે સાસંદશ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છીઓને  નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, અષાઢીબીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કરછીમાડુઓનો લોક ઉત્સવ. અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂઓ દરિયો ખેડી પરત આવતા હોય છે તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે ત્યારે આ ઉત્સવ દરેક કરછીમાડુના દિલની નજીક છે.  તેમણે કચ્છમાં  કાર્નિવલની શરૂઆત વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવલની શરૂઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં ઓપરેશન સિંદુર બાદ ભુજ આવેલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી  ફરી કચ્છ કાર્નિવલ શરૂ કરવા પ્રેરણા આપી હતી. જેની ફલશ્રુતિ સ્વરૂપ આજરોજ કચ્છ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છ વાસીઓનો સાસંદશ્રીએ આભાર વ્યક્ત કર્યો હતો.
કચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી પ્રારંભ કરાયેલ કાર્નિવલમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી. કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તૃતિથી કચ્છીયત સૌળે કળાએ ઝળકી ઉઠી હતી. કચ્છભરના ૨૫૦૦ જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને ૬૨ ફલોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાર્થયા હતા. કચ્છ કાર્નિવલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઇને વિવિધ થીમ પર ૬૨ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં કચ્છ ઢોલી, મઠો અસાંજો કચ્છડો, પાંજા સંત ઓધવરામ, માં મઢવાળીની શરણે, કચ્છડો કામણગારો, કચ્છ ચારણી ગરબો, સ્વર્ણિમ ભારત, તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે રમતનું મહત્વ, નારીશક્તિ, તલવારબાજી, કેરેલા ફોલ્ક ડાન્સ, યોગાસન, બેકપાઇપ બેન્ડ, કચ્છી રાસ, ઓપરેશન સિંદૂર, હસ્તકલા થી હાઇટેક સુધીની યાત્રા સહિતની પ્રસ્તૃતિ નિહાળી લોકો મંત્રમૃગ્ધ થયા હતા. રંગેચંગે નીકળેલા કાર્નિવલ અને જનમેદનીના ઉત્સાહ – ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો.
હમીરસર કાંઠે સમી સાંજે રેલાયેલા સંગીત અને લોકસાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કરી દીધા હતા.
આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી રશ્મિબેન સોલંકી, સર્વે ધારાસભ્યોશ્રી કેશુભાઇ પટેલ, શ્રી ત્રિકમભાઇ છાંગા, શ્રી  પ્રદ્યમુનસિંહ જાડેજા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રીઅનિરુદ્ધભાઇ દવે, મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયા, માંડવી નગરપાલિકા પ્રમુખશ્રી હરેશભાઈ વીંઝોડા, મુંદરા નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન જોશી, અંજાર નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવ  કોડરાણી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી તેજસભાઈ શેઠ, ભચાઉ નગરપાલિકા પ્રમુખશ્રી પેથાભાઇ રાઠોડ, રાપર નગરપાલિકા પ્રમુખશ્રી ચાંદકુમાર ઠક્કર, અગ્રણીશ્રી દેવજીભાઇ વરચંદ, રાજવી પરિવારના અગ્રણી સર્વશ્રી કુંવરસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહજી, દેવપર ઠાકોર પ્રતાપસિંહજી, યુવરાજ પ્રતાપસિંહ હનુમંતસિંહજી, કલેકટરશ્રી આનંદ પટેલ,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, પ્રાંત અધિકારીશ્રી ડો.અનિલ જાદવ અને એસ.કે. ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ, મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિજ્ઞા વરસાણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments