ત્રણ કૌટુંબિક ભાઈઓએ વાડીએ આવી ખેલ કરતા પોલીસ ફરિયાદ
હળવદ : હળવદ શહેરના આસ્થા રોડ ઉપર આવેલ કરોડોની કિંમતી જમીન અંગે કોર્ટ મેટર ચાલુ હોવા છતાં આ જમીન પચાવી પાડવા એક જ પરિવારના સભ્યો વચ્ચે ચાલતા વિવાદમાં ત્રણ શખ્સોએ દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપી જમીન છોડી ચાલ્યા જવા દબાણ કરતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ શહેરના કૃષ્ણ દરવાજા વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા મનસુખભાઇ ગંગારામભાઈ સોનગ્રાએ આરોપી મહેશભાઇ શામજીભાઈ સોનગ્રા, જયદીપભાઈ રતિલાલ સોનગ્રા અને મેહુલભાઈ ઈશ્વરભાઈ સોનગ્રા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે ફરિયાદી તેમજ તેમના પત્ની આસ્થા રોડ ઉપર આવેલ પોતાની દાવલીયું તરીકે ઓળખાતી વાડીએ હતા ત્યારે ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને આ જમીન અમે બિનખેતી કરાવી છે. આ જમીન તમારી નથી તેમ કહી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદી મનસુખભાઇએ ત્રણેય કૌટુંબિક ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










