મોરબી : ગઈકાલે રવિવારના રોજ મોરબી શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે તાજીયા જુલૂસ નીકળ્યા હતા અને મોડી રાત્રે તમામ તાજીયા ઢંડા થયા હતા. કાદરી ઉલ જીલ્લાની મોરબી શહેર ખતીબ સૈયદ અબ્દુલરશીદમીંયા હાજી મદનીમીંયા બાપુના જણાવ્યા પ્રમાણે મોહરમના 10મા ચાંદે યૌમે આશુરાના દિવસે શહીદે કરબલા ઈમામે હુસૈન અને તેમના 72 શહીદોની યાદમાં તાજીયા જુલૂસ પરંપરાગત રીતે મોરબીના જાહેર માર્ગના રૂટ પર કાઢવામાં આવ્યા હતા.
આ દરમિયાન તમામ આશિકાને હુસૈન એ સબીલ અને ન્યાજ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરમાં કોમી એકતાની મિસાલ એવા હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરીમાં નહેરૂગેઈટ ચોકમાં શહેર ખતીબ સૈયદ અબ્દુલરશીદમીંયા બાપુ દ્વારા તમામ તાજીયા ઢંડા કરવામાં આવ્યા હતા અને મોરબી શહેર અને દેશ માટે શાંતિ, સલામતી, પ્રગતિ અને કોમી એકતા અને અખંડતાની દુવાઓ કરવામાં આવી હતી.










