મોરબી : મોરબીના બંધુનગર અને મકનસર વચ્ચે એક્સેલ સિરામિક પાસે બંને ગ્રામજનો દ્વારા વરસાદી પાણી ભરવાના પ્રશ્ને રોડ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. રોડ ચક્કાજામ કરતા બંને બાજુ વાહનોની લાંબી લાઈનો લાગતા અંતે ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાની મધ્યસ્થીથી આ મામલો થાળે પડ્યો છે.
મોરબીના નેશનલ હાઈવે પર બંધુનગર અને મકનસર વચ્ચેનાસર્વિસ રોડ ઉપર વરસાદ આવે ત્યારે પાણી ભરાતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ મામલે સંબધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા આજે બંધુનગર અને મકનસર ગામના લોકોએ એકત્ર થઈને નેશનલ હાઇવે પર વાહનો રોકીને ચક્કાજામ કરીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.આ બાબતની જાણ થતાં જ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેઓએ નેશનલ ઓથોરિટીના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી આ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપીને ચક્કાજામ ખોલાવ્યો હતો. તેમજ તેઓએ મંગળવારે કલેકટર સાથે નેશનલ હાઇવે ઓથોરિટીની મીટીંગ કરીને હાઇવેના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણીના નિકાલનું કાયમી સોલ્યુશન કરાશે તેવું તેમણે જણાવ્યું હતું.















