નવયુગ પ્રિ-સ્કૂલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 18 બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો: પી.ડી. કાંજિયા અને મહંત ભાવેશ્વરીબેને હાલરડાના મહત્વ પર પ્રકાશ પાડ્યો
મોરબી અપડેટ : ભારત વિકાસ પરિષદ – મોરબી શાખા દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન અને પરંપરાગત હાલરડાંની અમૂલ્ય પરંપરાને જીવંત રાખવાના ઉમદા આશયથી 4 ઓક્ટોબરના રોજ નવયુગ પ્રિ-સ્કૂલ, લીલાપર રોડ ખાતે હાલરડા સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી. કાંજિયા તથા રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પી.ડી. કાંજિયાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માતાના સ્નેહ, મમતા અને લાગણી સાથે ગવાતું હાલરડું માત્ર ગીત નથી, પરંતુ બાળકના માનસિક અને ભાવનાત્મક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવવાની સાથે સંસ્કૃતિ અને સંસ્કારોને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું સશક્ત માધ્યમ છે.
મહંતા ભાવેશ્વરીબેને પણ હાલરડાંનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત નવી પેઢી સુધી પહોંચે અને માતૃશક્તિની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી લોકસંસ્કૃતિને ઉજાગર કરતા આવા કાર્યક્રમો સતત યોજાતા રહે તે ખૂબ જ જરૂરી છે.
આ સ્પર્ધામાં મોરબી નગરની કુલ 18 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને હાલરડાની સુંદર પ્રસ્તુતિ કરી હતી. સ્પર્ધકોનું મૂલ્યાંકન નિર્ણાયકો અશ્વિનભાઈ બરાસરા અને આરતીબેન રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ ક્રમે અવંતિકાબેન યોગેશભાઈ રાણીપા, દ્વિતીય ક્રમે અંજનાબેન ચંદુભાઈ નિમાવત અને તૃતીય ક્રમે પૂજાબેન રોનકભાઈ દવે વિજેતા બન્યા હતા. તમામ વિજેતા બહેનોને પ્રોત્સાહન રૂપે પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ અન્ય તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન દર્શનાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ – મોરબી શાખાના પ્રમુખ ચિરાગભાઈ હોથી, સચિવ વિશાલભાઈ બરાસરા, ખજાનચી હિરેનભાઈ ધોરીયાણી, કોમલબેન પનારા, પ્રજ્ઞાબેન જીવાણી, જ્યોત્સનાબેન કુંડારીયા, આરતીબેન ડાંગર, રાજેશભાઈ ડાંગર, ડૉ. જયેશભાઈ પનારા સહિતના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.













