ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામે ખેત મજૂરની બે બાળકીઓ લાપતા બનતા પોલીસે તુરંત સર્ચ હાથ ધર્યું હતું. જો કે બન્ને બાળાઓને પોલીસે એક ખેતરમાંથી હેમખેમ શોધી કાઢતા અને કોઈ ગુનાહિત કૃત્ય ન થયાનું સામે આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ટંકારા પોલીસને ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઈ ગમારાનો ફોન આવેલ કે, ગામની સીમમાં ગેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમાં રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ ઉ.વ.૦૬ તથા સવીતા ઉ.વ.૭ બન્ને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગઈ હતી. જે ઘરે પરત આવી નથી. જેથી ટંકારા પોલીસે ગામના સરપંચ તથા આગેવાનો અને પોલીસ જવાનો તથા ગ્રામ રક્ષક દળના સભ્યોની મદદ લઈ અલગ-અલગ ટીમો બનાવી ધ્રોલીયા ગામના પાટીયાની આજુબાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમાં તથા અવાવરૂ જગ્યાએ સર્ચ હાથ ધર્યું હતું.
આ દરમિયાન મોડી રાત્રીના ગુમ થનાર બન્ને બાળાઓને ગામની સીમમાથી એક મગફળીના ખેતરમાંથી હેમખેમ મળી આવી હતી. બાળાઓને પોલીસ સ્ટાફના મહિલા કોન્સ્ટેબલ મારફતે પૂછપરછ કરતા સહી સલામત હોવાનું જણાય આવ્યું હતું. તેઓએ બનાવ સ્થળે રૂબરૂ વિઝીટ કરી હતી અને આ ગુમ થનાર બંને સગીર બાળાઓ તથા તેઓના વાલીઓને રૂબરૂ મળી પુછપરછ કરી કોઈ ગુન્હાહિત કૃત્ય બનેલ ન હોવાની ખાતરી કરી હતી. બાદ આ ગુમ થનાર બંને સગીર બાળાઓની તેઓના વાલીની હાજરીમાં પુછપરછ કરી સહી-સલામત તેઓને સુપ્રત કરવામાં આવી હતી.
આ કામગીરીમાં ડીવાયએસપી એસ.એચ.સારડા, પીઆઇ કે.એમ.છાસીયા, એ.એસ.આઈ.રાજુભાઈ કોપણીયા, ચેતનભાઈ કડવાતર, ભાવેશભાઇ વરમોરા, પો.હેડ.કોન્સ જસપાલસિંહ મહેન્દ્રસિંહ, રાજેશભાઇ નથુભાઇ તથા પો.કોન્સ. કિશોરભાઇ દાવા, કૃષ્ણરાજસિંહ ઝાલા, મહિલા પો.કોન્સ રીંકલબેન રમેશભાઇ તથા ગ્રામ રક્ષક દળના સભ્યો જોડાયા હતા.












