મોરબીમાં મયુર બ્રિજ ઉપરના સેલ્ફી ઝોનને કોઈએ નુકસાન પહોંચાડી તેમાંથી અક્ષર પણ ઉઠાવી લીધા છે. આ ઘટનાને મ્યુનિસિપલ કમિશનરે વખોડી જવાબદાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાવવા પગલાં લીધા છે.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે મહાપાલિકાએ વાવડી રોડ ઉપર બે અને મયુર બ્રિજ ઉપર સેલ્ફી ઝોનમાં આઈ લવ મોરબીનું સાઈન મૂક્યું હતું. મયુર બ્રિજ ઉપર આ સાઇનમાં તોડફોડ તો ઠીક પણ કોઈ તેના અક્ષર જ ઉઠાવી ગયું છે.
મોરબીના ગૌરવ માટે આ ઘટના દુઃખદ છે. મહાપાલિકા શહેરની સુંદરતા વધારવા અને શહેરની સુવિધા વધારવા પ્રયત્નશીલ છે. તેવામાં લોકોએ પણ સહયોગ આપવાની જરૂર છે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે આ અક્ષરો લઈ જનાર વ્યક્તિના કોઈ ફોટો કે વિડીયો એવું કંઈ પણ હોય તો મહાપાલિકાનું કે પોલીસનું ધ્યાન દોરવું.











