મોરબી નજીક આજે એક કરુણ ઘટના બની છે. જેમાં પાનેલી રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાના કારણે ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. આ બનાવને અંગે જાણ થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પાનેલી રોડ ઉપર આરકોસ માઇક્રોન બહાર બપોરે 3 વાગ્યાના અરસામાં ત્રણ બાળકો રમી રહ્યા હતા. તેઓ રમતા રમતા ત્યાં નજીકમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પડી ગયા હતા. આ બનાવમાં પ્રતિજ્ઞા ભુરુભાઈ જમરા (ઉ.વ.5), કુલદીપ કૈલાસભાઈ દાવર (ઉ.વ.6) અને ખુશ્બૂ કૈલાસભાઈ દાવર(ઉ.વ.4)નું મોત નીપજ્યું છે. આ તમામ બાળકો મૂળ અલીરાજપુર, એમપીના શ્રમિક પરિવારના હતા. તેઓનો પરિવાર છેલ્લા 7 વર્ષથી મોરબીમાં કામ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ખાડો અંદાજે ત્રણેક ફૂટ ઊંડો અને તેમાં પાણી ભરેલું હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકો આ ખાડામાં પડી ગયાની જાણ કલાકો બાદ થઈ હતી. જેથી એકેય બાળક બચ્યું ન હતું. આ બનાવને પગલે શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાયો છે.










