મોરબી : શ્રી બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા મોરબીમાં આગામી 27 સપ્ટેમ્બર 2025 થી ‘ત્રિનેત્રેશ્વરી માં દુર્ગે તુમિ દુર્ગતિનાશિની’ ની ભવ્ય થીમ પર આધારિત દુર્ગા પૂજાનું વિરાટ અને શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મોરબીમાં નવરાત્રીના છઠ્ઠા દિવસથી આદિશક્તિ માં દુર્ગાના આ તહેવારને મહોત્સવ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.
મોહિતભાઈ રાવલે જણાવ્યું હતું કે માં દુર્ગાને ત્રિનેત્રેશ્વરી તરીકે વર્ણવવામાં આવ્યા છે, જે દુર્ગતિનો નાશ કરી સદગતિ પ્રદાન કરે છે. તેમના ત્રણ નેત્ર ભૂત, વર્તમાન અને ભવિષ્યના સૂચક છે, તેમજ જ્ઞાન, સમજ અને વિવેકના પણ દર્શક છે. દેવી દુર્ગાના વિરાટ અને શક્તિ સ્વરૂપના દર્શન અને પૂજા-અર્ચનનો આ અનેરો મહોત્સવ છે.
દુર્ગા પૂજામાં ભક્તિ, શક્તિ અને મુક્તિનો મહા ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ પર્વ જીવનનો મૂળ સાર સમજાવે છે અને સંઘર્ષની પ્રેરણા આપે છે. જેમ માં દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કરીને અનેક મુશ્કેલીઓનો સામનો કરી તેનો વધ કર્યો હતો, જેના પરિણામે દસમા દિવસે વિજયા દશમી ઉજવવામાં આવે છે, તે જ રીતે આ તહેવાર બુરાઈ પર અચ્છાઈ, અન્યાય પર ન્યાય અને અસત્ય પર સત્યના વિજયનો નિશ્ચિત સંદેશ આપે છે.
આ પૂજામાં બળ, બુદ્ધિ, જ્ઞાન, સમજ, વિવેક, ન્યાય, સત્ય અને જીવનના ઉચ્ચ ધ્યેયનો મહાસંગમ છે. આ આયોજન લોકોને પોતાની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખીને તેનો યોગ્ય સમયે ઉપયોગ કરીને વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. તેમજ દુર્ગા પૂજાને લગતી કોઈપણ માહિતી, વિગત, જાણકારી કે પ્રશ્ન માટે રસ ધરાવતા લોકો મોહિતભાઈ (કાર્તિક) રાવલ (મો. 7990215099) અને શ્રીરામભાઈ મંડલનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.















