મોરબીના ગોર ખીજડીયા ગામ પાસેથી પસાર થતી અને આગળ જઈને મચ્છુ-3ને મળતી ધુતારી નદીના પુલ પાસે નદીમાં અનેક માછલાના મોત થયાનું સામે આવ્યું છે. પાણીમાં કોઈ કારણોસર માછલાના મોત થતાં ગામ લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. ગોર ખીજડીયા ગામના સરપંચને જાણ થતાં તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા.
ગોરખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, અવાર નવાર ધુતારી નદીમાં કેમિકલ છોડવામાં આવે છે. આસપાસની પેપરમિલો દ્વારા નદીમાં કેમિકલ છોડવામાં આવે છે. જેના કારણે માછલાના મોત થઈ રહ્યા છે. આ અંગેની જાણ GPCBને પણ કરવામાં આવી છે. સરપંચે કહ્યું હતું કે GPCBના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી. જો આગામી દિવસોમાં નદીમાં કેમિકલ છોડવાનું બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.












