મોરબી : મોરબી જિલ્લામાં શિયાળુ પાક લેવાના સમયે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ રિપેરિંગના કારણોસર બંધ કરવાની હિલચાલ થઈ રહી હોય આ અંગે માળિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
માળિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ જણાવ્યું છે કે, ખેડૂતોને શિયાળુ પાક વાવેતરનો સમય થયો ત્યારે જ રિપેરિંગના નામે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલ બંધ કરવામાં આવી રહી છે. જો રિપેરિંગ કરવું હતું તો અત્યાર સુધી કેમ ન કરવામાં આવ્યું. જ્યારે ખેડૂતોને પાકનો સમય થાય ત્યારે જ પાણી અને ખાતરની માથાકુટ ચાલુ થાય છે. શું ખેડૂતોને જાણી જોઈને પરેશાન કરવામાં આવી રહ્યા છે ? જો આ કેનાલ બંધ કરવામાં આવશે તો મોરબી અને માળિયા તાલુકાના આશરે 25 ગામના ખેડૂતોને શિયાળુ સિઝન ગુમાવવી પડે તેમ છે. તેથી આ કેનાલ બંધ કરવામાં આવશે તો માળિયા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે.











