ઉત્તરપ્રદેશના વતની ટેન્કર ચાલક અને સોનગઢના શખ્સને રૂ.47.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા
મોરબી : મોરબી જિલ્લામાં કોલસો ચોરી, ડીઝલ ચોરી અને ગેસ ચોરીના બનાવ અવાર નવાર સામે આવે છે ત્યારે બુધવારે સાંજે માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી સોનગઢ ગામે ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી લઈ ઉત્તરપ્રદેશના ટેન્કર ચાલક અને સોનગઢના શખ્સને રંગે હાથ ઝડપી લઈ રૂ.47.14 લાખનો મૂદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
માળીયા મિયાણા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે સોનગઢ ગામે રામજી મંદિર પાછળ દરોડો પાડતા જીજે – 19 – વાય – 1551નો ચાલક આરોપી શ્યામજીસિંગ કૈલાસસિંગ રાજપૂત રહે.બારેજા, દસક્રોઈ, અમદાવાદ અને આરોપી પરેશ ઉર્ફે લાલો ભુરાભાઈ વિરડા રહે.સોનગઢ તા.માળીયા મિયાણા વાળાને ટેન્કરમાંથી નળી વડે ડીઝલ કાઢતા ઝડપી લઈ 200 – 200 લીટર ડીઝલ ભરેલા 9 બેરલ કિંમત રૂપિયા 1,44, 000 તેમજ 22 હજાર લીટર ડીઝલ ભરેલ એક આઇસર ટેન્કર કિંમત રૂપિયા 45,60,000, લોખંડના વાલ્વ વાળી 4 નળીઓ કિંમત રૂપિયા 800 તેમજ 10 હજારની કિંમતના બે મોબાઈલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.











