બંધ મહિલા શૌચાલય શરૂ કરવા સામાજિક કાર્યકરોની માંગ
મોરબી: મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા શહેરના નહેરુ ગેટ ચોક ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મહિલા શૌચાલયની જાળવણી અને સંચાલન અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે શૌચાલયનું નિર્માણ થયા બાદ લાંબા સમયથી તેનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ છે, જેના કારણે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી મહિલાઓને ભારે હાલાકી પડી રહી છે.
સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરુભાઈ સહિતના આગેવાનોએ રજૂઆત કરી છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં (2022-23)માં બન્યા ત્યારે જ મોરબીના નાગરિકોની રજૂઆતને ધ્યાનમાં લઈને તત્કાલ આ શૌચાલય બનાવવાનો આદેશ ગાંધીનગરથી મોરબી નગરપાલિકાને આપવામાં આવ્યો હતો. જોકે, આદેશ છતાં આશરે 2 લાખના ખર્ચે બનેલું શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે ચાલુ થયું નથી. સામાજિક કાર્યકરોનો સ્પષ્ટ આક્ષેપ છે કે મોરબી મહાનગરપાલિકાના કર્મચારીઓ, કમિશનર આ ગંભીર બાબતને ધ્યાને લેતા નથી, જેના કારણે શૌચાલય બંધ છે. રજૂઆતમાં જણાવાયું છે કે મુખ્ય બજારમાં ખરીદી માટે આવતી મોટી સંખ્યામાં મહિલાઓ માટે શુદ્ધ અને સુરક્ષિત શૌચાલયની તાતી જરૂરિયાત છે. આટલી સામાન્ય બાબત માટે પણ જો ગાંધીનગર સુધી ફરીથી ફરિયાદ કરવી પડે તો આમ જનતાએ શું કરવું, તેવો વેધક સવાલ પણ ઉઠાવાયો છે.
કાર્યકરોએ માંગણી કરી છે કે, મોરબી મહાનગરપાલિકાના કમિશનરે સ્થળ પર જઈને તપાસ કરવી જોઈએ અને નિયમિત સફાઈ, પાણી, પ્રકાશ જેવી મૂળભૂત સુવિધાઓ સુનિશ્ચિત કરવી જોઈએ. ઉપરાંત, શૌચાલયની જાળવણી માટે નિયત કર્મચારીની ફરજ નિયમિત રાખવામાં આવે. આ બાબતમાં તાત્કાલિક કાર્યવાહી ન થતા કલેક્ટરને પણ ફરિયાદ કરવાની અને ગાંધીનગર સુધી ફરીથી રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મહિલાઓની સુવિધા માટે બનાવાયેલું શૌચાલય બંધ રહેવું એ નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યેની બેદરકારી સમાન ગણવામાં આવ્યું છે.










