ટંકારા તાલુકાના નેકનામમાં કારખાનામાં એક શખ્સે 2 વર્ષના માસૂમ બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપી શખ્સે બાળકના પિતા સાથે થયેલ ઝઘડાનો બદલો લેવા આ કૃત્ય આચર્યાનું ખુલ્યું છે. પોલીસે આ આરોપીને પકડી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરી આપ્યા છે.
આ અંગે વિગતો જાહેર કરતા ડીવાયએસપીએ જણાવ્યું કે નેકનામ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ઉત્તરપ્રદેશથી આવીને મજૂરી કામ કરતા પરિવારનો ૨ વર્ષનો માસૂમ બાળક રમી રહ્યો હતો. આ દરમિયાન ત્યાં જ કામ કરતા અને મૂળ બિહારના વતની રામ વિકાસ તૈલી (ઉ.વ.૩૮) નામના શખ્સે બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમે માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડી લીધો હતો. બાદમાં મામલતદાર સમક્ષ ડોકટરોની ઉપસ્થિતીમાં આરોપીની ઓળખ પરેડ કરવામાં આવી હતી. આ આરોપીને બાળકના પિતા સાથે માથાકૂટ થઈ હતી. જેનો બદલો લેવા તેને આ કૃત્ય આચર્યું હતું. બાળકના માતા રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે બાળક રમતા રમતા આરોપીના રૂમમાં ગયું હતું. ત્યારે તકનો લાભ લઇ આરોપીએ આ હીન કૃત્ય કર્યું હતું. આરોપી છેલ્લા એક વર્ષથી અહીં આવેલો છે. તેને પત્ની અને બે બાળકો તેમના વતનમાં છે. આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજુર કરી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.











