મોરબી – માળીયા (મીં) ના પૂર્વ ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ તાજેતરમાં ત્રણ દિવસ દરમિયાન મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોરબી જિલ્લાના તીથવા નજીક પાંચાલ પ્રદેશ તરીકે ઓળખાતા ભંગેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી જલાભિષેક કર્યો હતો. ત્યાં ટેકરી ઉપર આવેલ ઉમિયા માતાજીનાં મંદિરે પણ દર્શન કર્યા હતા. ભંગેશ્વર મંદિરના મુખ્ય ટ્રસ્ટીશ્રી હંસરાજભાઈએ આ સ્થળે પાંડવોનું આગમન માતા કુંતાજી દ્વારા મહાદેવના મંદિરની સ્થાપના અને શ્રી ક્રુષ્ણ ભગવાનના વિચરણ અંગે માહિતી આપી હતી. મૌઢ વણિક અને મૌઢ પંડ્યા પરિવારના માતંગી મોઢેશ્વરી માતાજીનાં મંદિરે દર્શન કરી ધાર્મિક પ્રવચન કર્યું હતું. મોરબી તાલુકાનાં નાની વાવડી ગામે પટેલ સમાજની વાડીમાં યોજાયેલ માં રમાનાથ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થઈ આધ્યાત્મિક હસ્તી એવા શ્રી નાથાલાલ જોશીના જીવન અને કવન અંગે પ્રેરક પ્રવચન કર્યું હતું. મોરબીમાં લોહાણા બોર્ડિંગ ખાતે શ્રી સરસ્વતી મહિલા મંડળ આયોજિત શ્રી રામચરિત માનસ કથાનું શ્રવણ કરી ધાર્મિક પ્રવચન આપ્યું હતું તેમજ આયોજકો દ્વારા બહુમાન કરવામાં આવ્યું હતું. મોરબી ખાતે કડવા પાટીદાર કન્યા છાત્રાલયના પટાંગણમાં યોજાયેલ “સરદાર કથા” માં ખાસ ઉપસ્થિત રહી સરદાર સાહેબ અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લઈ કાર્યકર્તાઓ સાથે સંગઠનાત્મક ચર્ચા કરી હતી. નાના ભેલા ગામે સવારની કકડતી ઠંડીમાં ગામની ભાગોળે તાપણું કરીને બેઠેલા ગ્રામજનો સાથે વાર્તાલાપ કરી સ્થાનિક બાબતો અંગેની માહિતીથી સુમાહિતગાર થયા હતા. આમ, બ્રિજેશ મેરજાએ ત્રણ દિવસના તેમના ભરચક કાર્યક્રમમાં ઘનીષ્ઠ લોક સંપર્ક કેળવ્યો હતો.
















