મોરબી: મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખા દ્વારા શહેરના આધુનિકીકરણ અને નગરજનોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ જાહેરાત કરવામાં આવી છે. મોરબીના ઐતિહાસિક ખાખરેચી દરવાજા પાસે શહેરનું પ્રથમ અને અત્યાધુનિક ‘ગ્લો ગાર્ડન’ ટૂંક સમયમાં આકાર લેવા જઈ રહ્યું છે.
મોરબી મનપાની ઇલેક્ટ્રિક શાખાએ ગ્લો ગાર્ડન બનાવવા માટેની પ્રાથમિક તબક્કાની ટેન્ડર પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. ખર્ચ અને આયોજન: આ પ્રોજેક્ટ અંદાજે ₹2.5 કરોડ ના ખર્ચે સાકાર થશે. આકર્ષક લાઇટિંગ: ગાર્ડનમાં વિવિધ પ્રકારના આધુનિક શેડ્સ અને હાઇ-ટેક લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવશે, જે રાત્રિના સમયે આકર્ષણનું કેન્દ્ર બનશે. સેલ્ફી પોઇન્ટ અને ફોટોશૂટ: નગરજનો માટે ખાસ સેલ્ફી પોઇન્ટ્સ અને ફોટોશૂટ ઝોન ઊભા કરવામાં આવશે, જે શહેર માટે નવું ફરવા લાયક નજરાણું બની રહેશે. ટેકનોલોજી: ગાર્ડનમાં અત્યાધુનિક વાયરીંગ અને સ્માર્ટ લાઇટિંગ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવશે.
સ્ટ્રીટ લાઈટ અને વીજપોલની કામગીરીમાં વેગ
ગ્લો ગાર્ડન સિવાય, શહેરના વિવિધ માર્ગો પર સ્ટ્રીટ લાઈટની સુવિધા સુધારવા માટે ઇલેક્ટ્રિક શાખા દ્વારા કામગીરી કરવામાં આવી રહ્યાનો દાવો કરવામા આવ્યો છે જેમાં : શનાળા રોડ: તાજેતરમાં શનાળા રોડ પર ધરાશાયી થયેલા વીજપોલના સ્થાને નવા પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષામાં વધારો થયો છે. નંદી ઘરથી વાવડી રોડ: નંદી ઘરથી વાવડી ગામ સુધીના મુખ્ય માર્ગ પર નવા વીજપોલ અને સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જનસુખાકારી: સમગ્ર શહેરમાં જરૂરિયાત મુજબ નવા વીજપોલ નાખીને અંધારપટ દૂર કરવા માટે ઇલેક્ટ્રિક શાખા દ્વારા રોડમેપ તૈયાર કરી અમલીકરણ કરવામાં આવી રહ્યાનું તંત્રએ જણાવ્યું છે.
અધિકારીનું નિવેદન
મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક શાખાના અધ્યક્ષના જણાવ્યા અનુસાર, ગ્લો ગાર્ડન માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા હવે ટૂંક સમયમાં જ લાઇટિંગ ડેકોરેશન અને સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયે મોરબીના નગરજનોને પરિવાર સાથે સમય વિતાવવા માટે એક ભવ્ય અને સુરક્ષિત સ્થળ મળી રહેશે














