મોરબી જિલ્લામાં આજ રોજ આમ આદમી પાર્ટીની સ્ટુડન્ટ વિંગ ‘ASAP’ (એએસએપી) ની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ઉત્સાહી અને જાગૃત વિદ્યાર્થી નવયુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સંગઠનને મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સંગઠનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ASAP દ્વારા વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય અને અત્યાચાર મુદ્દે બુલંદ અવાજ ઉઠાવવામાં આવશે. જિલ્લા સ્તરે તેમજ વિવિધ કોલેજોમાં સંગઠનને વિસ્તૃત કરી વિદ્યાર્થીઓના હક્ક અને હિત માટે સક્રિય કાર્ય કરવાની યોજના છે.
આ ઉપરાંત વર્તમાન સમયમાં યુવાધનમાં વધી રહેલા દારૂ અને ડ્રગ્સના વ્યસનને ધ્યાનમાં રાખી ASAP દ્વારા નશાબંધી અને ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લાના તમામ જાગૃત વિદ્યાર્થીઓને આ ટીમનો ભાગ બની પરિવર્તનની લડતમાં સહભાગી થવા આહ્વાન કરવામાં આવ્યું છે.











