વાંકાનેરની મંત્રી સોસાયટીમાં માત્ર ચા બનાવવાની સામાન્ય બાબતે એક પતિએ પોતાની પત્ની પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. પત્ની મોડી ઉઠતા ઉશ્કેરાયેલા પતિએ ગાળાગાળી કરી પત્નીને માર માર્યો હતો, જેના કારણે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બનાવની વિગતો અનુસાર, જોશનાબેન અશોકભાઈ રાઠોડ સવારે ઘરે હાજર હતા ત્યારે તેમના પતિ અશોકભાઈએ ચા બનાવવાનું કહ્યું હતું. જોશનાબેન ઊંઘમાંથી જાગીને હાથ-મોઢું ધોવા ગયા હોવાથી ચા બનાવવામાં થોડી વાર લાગતા પતિએ ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. પતિએ “તારે ક્યાં સુધી સૂવું છે?” તેમ કહી બીભત્સ ગાળો આપી જોશનાબેનના વાળ પકડી લીધા હતા અને તેમને જોરદાર ધક્કો માર્યો હતો, જેથી તેમનું માથું દીવાલ સાથે ભટકાતા ઈજાઓ પહોંચી હતી. પત્નીને ચક્કર આવવા છતાં નિર્દય પતિ તેને હાલત પર છોડીને ભાગી ગયો હતો. હાલ જોશનાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમણે પોતાના પતિ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.










