મોરબી : મોરબીમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત સંયુક્ત આયંબિલ ઓળીમાં દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની રમઝટ જોવા મળી રહી છે. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. વિવેક મુનિ મહારાજ સાહેબ, ચિંતન મુનિ મહારાજ સાહેબ આદિ સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં ગત તા. ૨૪થી શરૂ થયેલી આ શાશ્વતી આયંબિલ ઓળીમાં આરાધકોનો ઉત્સાહ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સામાન્ય રીતે દરરોજ 525થી વધુ લોકો આયંબિલ કરી રહ્યા છે, ત્યારે આજે આ આંકડો રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો.
આજે કુલ 551 આરાધકોએ આયંબિલ કર્યા હતા, જેમાં 532 તપસ્વીઓ, 2 મહારાજ સાહેબ અને 17 સાધ્વીજી મહારાજનો સમાવેશ થાય છે. આ તમામ આરાધકો સુખ-શાતાપૂર્વક આયંબિલ તપની આરાધના કરી રહ્યા છે. આ તપ દ્વારા ભાવિકો આત્માની શુદ્ધિની સાથે શરીરના આરોગ્યની શુદ્ધિ માટે પણ હોંશે-હોંશે નામ નોંધાવી રહ્યા છે.
આ ઉપરાંત, આજે તા. ૨૬ના રોજ રામનવમીના પાવન અવસરે મોરબીના સોની બજાર ઉપાશ્રય ખાતે ‘માનસ પરીક્ષા’ ઓપન બુક એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. અરિહંત મુનિજી અને વર્ધમાન મુનિની પ્રેરણાથી યોજાયેલી આ પરીક્ષા આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીના જીવન ઝલકની પુસ્તિકા ‘અનુભૂતિની અભિવ્યક્તિ’ પર આધારિત હતી. આ ઓપન બુક એક્ઝામમાં 125થી વધારે ભાવિકોએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી.
જૈન ધર્મમાં ‘કરવું, કરાવવું કે અનુમોદના કરવી’ એ ત્રણેયનું ફળ સમાન માનવામાં આવે છે. જેઓ તપ નથી કરી શકતા તેઓ આ તપની અનુમોદના કરીને પણ પુણ્યનું ઉપાર્જન કરી શકે તેવા ઉમદા હેતુથી, સળંગ ૧૦ દિવસની ઓળી પૂર્ણ થયે તપસ્વીઓના પારણાના દિવસે વિશેષ બહુમાન કાર્યક્રમ પણ યોજવામાં આવશે.
સમસ્ત જૈન સમાજના આ રૂડા આયોજનને સફળ બનાવવા માટે દરેક જૈન સંઘના ટ્રસ્ટીઓ, યુવક મંડળ, મહિલા મંડળ, વિવિધ જૈન ગ્રુપના સભ્યો અને યુવા સ્વયંસેવકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ખડેપગે સેવા આપી રહ્યા છે.













