મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો. બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમાજના આગેવાનો અને સભ્યોની બેઠક ગઈકાલે યોજાઈ હતી, જેમાં સમાજના બંધુઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
દર વર્ષે મુખ્ય રેલી રેલ્વે સ્ટેશન રોડ, સમાજવાડી, મોરબીથી શરૂ થતી હતી, પરંતુ હાલ રોડના કામને કારણે આ વખતે રેલીનો રૂટ બદલવામાં આવ્યો છે. નવી આયોજન મુજબ તા. 14/04/2026ના રોજ સવારે 09:00 વાગ્યે વીસી ફાટક, વી.સી. હાઈસ્કૂલથી રેલી પ્રસ્થાન કરશે. ત્યારબાદ ગેસ્ટ હાઉસ રોડ, ત્રિકોણબાગ, નગર દરવાજા ચોક માર્ગે પસાર થઈને ડો. બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ ખાતે સમાપ્ત થશે. શોભાયાત્રા શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે યોજાય તેમજ પર્યાવરણનું સંરક્ષણ થાય તે માટે સમાજ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
જેમાં રેલી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, કોઈપણ પ્રકારના કલર ઉડાડવા નહીં, તેમજ સાથે લાવવા નહીં એવી વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, રેલી દરમિયાન બાઇક (બુલેટ)ના સાઈલેન્સરથી મોટા અવાજો ન કરવા તેમજ કોઈપણ પ્રકારના હથિયારો લાવવાને પણ મનાઈ કરવામાં આવી છે. આ ભવ્ય શોભાયાત્રામાં અનુસૂચિત જાતિ/જનજાતિ સમાજ સાથે સાથે અન્ય સમાજના લોકો, વેપારી મંડળ અને પત્રકાર મિત્રોને પણ બહોળી સંખ્યામાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











