મોરબી: નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો ભરપાઈ કરવા માટે આખરી ચેતવણી આપવામાં આવી છે. જે નાગરિકોએ હજુ સુધી પોતાનો પ્રોપર્ટી ટેક્સ જમા નથી કરાવ્યો, તેમના માટે 31/03/2026 એ છેલ્લો દિવસ રહેશે
હાઉસ ટેક્સ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિલકતધારકો પોતાનો વેરો મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ, કલસ્ટર ઓફિસ અથવા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી ભરી શકશે. મહત્વની વાત એ છે કે, કરદાતાઓની સુવિધા માટે 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ ટેક્સ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જો મિલકતધારકો આ સમયમર્યાદામાં વેરો ભરવામાં નિષ્ફળ રહેશે, તો ત્યારબાદ બાકી લેણાં પર 18% વ્યાજ વસૂલવામાં આવશે. છેલ્લી ઘડીની ભીડથી બચવા અને ભારેખમ વ્યાજની પેનલ્ટીથી બચવા માટે તંત્ર દ્વારા વહેલી તકે વેરો ભરી દેવા અપીલ કરવામાં આવી છે.










