મોરબી જિલ્લા રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે. છેલ્લા 3 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ ગામી ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. આજે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મુકેશ ગામીએ 30 જેટલા ટેકેદારો અને કાર્યકરો સાથે કોંગ્રેસનો ખેસ પહેરીને વિધિવત રીતે ઘરવાપસી કરી છે.
આ તકે કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના મુજબ અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ મુકેશ ગામી અને તેમની ટીમને કોંગ્રેસમાં આવકારવામાં આવ્યા છે. ભાજપ પર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસની વિચારધારા તદ્દન અલગ છે. કોંગ્રેસ ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની વિચારધારા પર ચાલે છે, જ્યારે ભાજપ ગોડસે અને અંગ્રેજોની વિચારધારા ધરાવતો પક્ષ છે. ભાજપમાં પોતાના કાર્યકરોને દેશ કે પ્રજાના હિતમાં સાચું બોલવાની પણ છૂટ નથી, અને જો કોઈ બોલે તો તેને ખોટા ગુનાઓમાં ફસાવી દેવામાં આવે છે. જે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપ કૌભાંડી અને ભ્રષ્ટાચારી કહેતું હોય છે, તે જ ધારાસભ્યો ભાજપમાં જાય એટલે જાણે ગંગાજળથી પવિત્ર થઈ જતા હોય તેમ તેમને સામે ચાલીને ટિકિટ આપવામાં આવે છે.
પોતાની ઘરવાપસી અંગે મુકેશ ગામીએ નિખાલસતાથી સ્વીકાર્યું હતું કે, તેઓ ભૂતકાળમાં ક્ષણિક ક્રોધના કારણે પક્ષ છોડીને ભાજપમાં ગયા હતા. પરંતુ કોંગ્રેસ વિચારધારા હંમેશા તેમના દિલમાં રહી છે. કોંગ્રેસ અગ્રણી સ્વર્ગસ્થ કિશોર ચીખલિયા સાથે તેમના ગાઢ અને મિત્રતાભર્યા સંબંધો હતા અને તેઓ અવારનવાર તેમને કોંગ્રેસમાં પરત ફરવા કહેતા હતા. તાજેતરમાં કિશોર ચીખલિયાના અવસાનથી તેમને ભારે આઘાત લાગ્યો હતો અને તે મિત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી જ તેઓ આજે ફરી કોંગ્રેસમાં જોડાયા છે.
આગામી ચૂંટણીમાં ટિકિટની માંગણી અંગેની અટકળોનો છેદ ઉડાડતા મુકેશ ગામી અને મહેશ રાજપૂત બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ કોઈપણ ટિકિટની શરત કે કમિટમેન્ટ વગર એક સામાન્ય કાર્યકર તરીકે પક્ષમાં પાછા ફર્યા છે. પક્ષ તેમને જે પણ વોર્ડમાં લડવા કે કામ કરવાની જવાબદારી સોંપશે તે તેઓ નિભાવશે.












