અશ્વિનભાઈ વરાણીયાએ મતદાન મથકે પહોંચી અન્ય નાગરિકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
મોરબી : લોકશાહીના મહાપર્વમાં દરેક નાગરિકની ભાગીદારી ખૂબ જ મહત્વની હોય છે. મોરબી જિલ્લાના સાદુળકા ગામમાં આજે આવું જ એક પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું હતું. ગામના યુવાન અશ્વિનભાઈ વરાણીયાએ પોતાના લગ્નના દિવસે જ અન્ય તમામ કાર્યો બાજુ પર રાખીને સૌપ્રથમ મતદાન કરવાની પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી.
વરરાજાને અનોખા અંદાજમાં મતદાન મથક પર જોઈને ઉપસ્થિત લોકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીઓ પણ ખુશ થયા હતા. અશ્વિનભાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી એક જાગૃત નાગરિક તરીકેની પોતાની રાષ્ટ્રીય જવાબદારી અદા કરી હતી. પોતાના જીવનના સૌથી મહત્વના દિવસે પણ લોકશાહીની ફરજને પ્રાધાન્ય આપીને અશ્વિનભાઈ વરાણીયાએ સમાજના અન્ય યુવાનો અને નાગરિકોને 100 ટકા મતદાન કરવા માટેનો એક સુંદર અને સકારાત્મક સંદેશ આપ્યો છે.









