મોરબી મહાનગરપાલિકાની તાજેતરની ચૂંટણીમાં વિજેતા બનેલા વોર્ડ નંબર 9ના કોર્પોરેટર હિરેન પરબતભાઈ કરોતરા જીતના બીજા જ દિવસે લોકસેવામાં સક્રિય થઈ ગયા છે. પોતાના મત વિસ્તારમાં આવેલા વર્ધમાન નગર અને ધર્મ વિજય સોસાયટીની મુલાકાત લઈને તેમણે સ્થાનિક રહીશો સાથે સીધી મુલાકાત કરી વિસ્તારોની સમસ્યાઓ જાણી હતી.
મુલાકાત દરમિયાન હિરેન કરોતરાએ લોકોની ફરિયાદોને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉકેલ લાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી. ખાસ કરીને વિસ્તારોમાં ઉભરાતી ગટર, બંધ પડેલી સ્ટ્રીટ લાઈટો અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગેની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તે અંગે કામગીરી શરૂ કરવામાં આવી છે. સંબંધિત વિભાગોને સૂચના આપી ગટર સાફ કરાવવાની તેમજ સ્ટ્રીટ લાઈટોના રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ પ્રસંગે સ્થાનિક લોકોએ ઉત્સાહભેર કોર્પોરેટરનું સ્વાગત કર્યું હતું અને પોતાના વિસ્તારમાં રહેતા પ્રતિનિધિ તરીકે સ્વીકાર આપ્યો હતો. લોકોમાં આશા વ્યક્ત થઈ રહી છે કે નવા કોર્પોરેટર દ્વારા વિસ્તારની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો ઝડપી અને અસરકારક ઉકેલ લાવવામાં આવશે.










