મોરબી: મોરબી શહેરમાં લાંબા સમયથી રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના પંચાસર રોડ પર નંદીઘર પાસે ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ સેલ્ટર કાર્યરત થવાથી રખડતા શ્વાનોને વ્યવસ્થિત આશરો મળી રહેશે અને શહેરીજનોને પડતી હાલાકીમાં ઘટાડો થશે તેવું મહાનગરપાલિકાના A.N.C.D. શાખાની યાદીમાં જણાવાયું છે.
વસ્તી નિયંત્રણ માટે વેક્સિનેશન અને સ્ટેરિલાઈઝેશન
શ્વાનોની વધતી વસ્તીને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન (રસીકરણ) અને સ્ટેરિલાઈઝેશન (ખસીકરણ) માટેનું ટેન્ડર લાઈવ કરી દેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરી કામગીરી કાર્યરત કરવામાં આવશે, જેનાથી શ્વાનોના ત્રાસ અને તેમની વસ્તી પર અસરકારક નિયંત્રણ લાવી શકાશે.
પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવવા અપીલ
શહેરમાં પાળતુ શ્વાન રાખતા લોકો માટે પણ પાલિકા દ્વારા રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 44 પેટ ડોગ ઓનર દ્વારા પોતાના શ્વાનનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાને અપીલ કરવામાં આવી છે કે જે નાગરિકોએ હજુ સુધી પોતાના પાળતુ શ્વાનનું રજિસ્ટ્રેશન નથી કરાવ્યું, તેઓ વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી લે.








