મોરબી શહેરમાં ઠેકઠેકાણે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો કોઈ ઉકેલ મહાનગર પાલિકા પાસે નથી ત્યારે આખા શહેરની ભૂગર્ભ ગટરનું પાણી જ્યાંથી પંપિંગ કરવામાં આવે છે તેવા પંચાસર રોડ પરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના તળાવમાં પાળા તૂટી જતા ગટરના ગંદા પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હવે આ ખેડૂતોને આગામી ખરીફ સીઝનમાં વાવેતર કરવા સામે પણ સવાલો ઉભા થયા છે.બીજીતરફ રજુઆત કરી થાકેલા ખેડૂતે હવે પ્રશ્ન નહિ ઉકેલાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરભરના ભૂગર્ભ ગટરના પાણી પંચાસર રોડ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવે છે અને ત્યાંથી પંપિંગ કરી બાદમાં પાણીને ફિલ્ટર કરી નજીકમાં બનાવવામાં આવેલ ચાર અલગ અલગ તળાવમાં ઠાલવવામાં આવે છે. જો કે, લાંબા સમયથી કોર્પોરેશનના ભૂગર્ભ ગટરના ગંદા પાણીના આ તળાવના પાળા તૂટી જતા ગંદા પાણી આજુબાજુમાં આવેલ 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ઘુસી જતા હાલમાં ખેડૂતોની હાલત દયનિય બની છે. ખેડૂતોના ખેતર ગંદા પાણીથી ખદબદી રહ્યા હોવાથી આગામી ખરીફ સિઝન માટે ખેડૂતો પોતાના ખેતરમાં ખેતી કરવા માટે પણ જઈ નથી શકતા.
બીજી તરફ મહાનગર પાલિકાની લાપરવા નીતિ મામલે ખેડૂતોએ ડ્રેનેજ વિભાગના વડાથી લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને છેલ્લે કમિશનર સુધી રજુઆત ફરિયાદ કરવા છતા આજદિન સુધી ખેડૂતોના ખેતરમાં ઘુસી ગયેલા ગંદા પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ઊલટું કમિશનર અને ડેપ્યુટી કમિશનર ખેડૂતોને ઠાલા આશ્વાસન આપી ડ્રેનેજ વિભાગ પાસે આખા શહેરના પ્રશ્ન હોય તમારો એક જ પ્રશ્ન ન હોય તેવા રોકડા જવાબ આપતા હવે કંટાળી ગયેલા એક ખેડૂતે આગામી ખરીફ સિઝન પહેલા જો તેમના ખેતરમાં પાણી આવતું બંધ નહી થાય તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ત્રણ વર્ષથી ગંદા પાણી અમારા ખેતરમાં આવે છે : ખેડૂત
મોરબીના શનાળા ગામે રહેતા અને કોર્પોરેશનના ભૂગર્ભ સંપના તળાવ પાસે વાડી ધરાવતા લાલજી ઓધવજી નકુમે હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષ 2023થી અમારા વાડી ખેતરમાં ગટરના પાણી ઘુસી રહ્યા છે. ભૂગર્ભ ગટરના ગંદા અને એસિડિક પાણીને કારણે અમારી જમીન ખરાબ થઈ રહી છે.પાણી ઘુસવા મામલે અનેક વખત નગરપાલિકા થી લઈ કોર્પોરેશન સુધી રજુઆત કરવા છતાં પણ અધિકારીઓ પ્રશ્ન ઉકેલતા ન હોવાથી રોષ વ્યકત કરી કિંમતી ફળદ્રુપ જમીન ખરાબ થઈ જતા પાયમાલ થઈ ગયાનું જણાવ્યું હતું.
રોડનું કામ કરતા કોન્ટ્રાક્ટરે પાળો તોડી નાખતા 15 ખેડૂતો હેરાન : રમેશભાઈ પરમાર
મોરબીના પંચાસર રોડ પર વાડી ધરાવતા અને શનાળા ખાતે રહેતા ખેડૂત રમેશભાઈ વિરજીભાઈ પરમારે જણાવ્યું હતું કે, કોર્પોરેશનના ગટરના પાણીના કુલ ચાર તળાવ આવેલ છે જેમાં ત્રણ અને ચાર નંબરના તળાવ કેપેસિટી કરતા વધુ પ્રમાણમાં ભરાઈ જવાની સાથે અહીં રોડ બનાવવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરે તળાવના પાળા તોડી નાખતા ગંદા પાણી ખેતરોમાં ભરાઈ જવાથી કુલ 15 જેટલા ખેડૂતોની હાલત દયનિય બની છે.છેલ્લા ત્રણ મહીનાથી ખેતરમાં પગ મુકાઈ તેવી હાલત ન હોવાથી હવે આગામી ચોમાસામાં વાવેતર કેમ કરવું તે પ્રશ્ન હોવાનું જણાવી તેમને ઉમેર્યું હતું કે, ગટરના એસિડ વાળા પાણીને કારણે તેમની જમીનમાં દસ વર્ષ સુધી ફળદ્રુપતા ઘટી ગઈ છે.ગટરના પાણી બંધ કરવા કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ડ્રેનેજ એકબીજાને ખો આપી બહાના બતાવી રહ્યા હોય રમેશભાઈએ આત્મ વિલોપન કરવાની પણ ચીમકી આપી હતી.
કાયમી પાણી નિકાલ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે : ડ્રેનેજ અધિકારી
મોરબીના પંચાસર રોડ પર ભૂગર્ભના પાણી ખેતરમાં ઘુસી જવા મામલે કોર્પોરેશનની ડ્રેનેજ વિભાગના અધિકારી પ્રશાંત કણઝારીયાએ જણાવ્યું હતું કે,ખેડૂતોએ માટી નાખી વહેણ બુરી નાખ્યું છે. હાલમાં ટાઉન પ્લાનિંગ વિભાગ આ વહેણ કાયદેસર છે કે, ગેરકાયદે તેની તપાસ કરી રહ્યું છે. સાથે જ આ વેસ્ટજ પાણી ઉપડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે જે ફાઇનલ થયા બાદ પાણી નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવશે.











