મોરબી મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં રોજમદાર કર્મચારીઓનું હાજરી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અગાઉની જેમ ભીનું ન સંકેલવા અને યોગ્ય તપાસ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે મોરબી મહાપાલિકાના વર્કશોપ વિભાગમાં કામ કરતા અમુક રોજમદારો અન્ય કર્મચારીઓની જાણ બહાર ઇલેક્ટ્રિક એટેન્ડન્સ મશીનમાં (બાયોમેટ્રિકમાં) ગેરહાજર કર્મચારીઓની ખોટી આંગળીઓ અને અંગૂઠા લગાવી દેતા હતા. આ રીતે રોજમદારોની ખોટી હાજરી દર્શાવીને અંદાજે લાખો રૂપિયાની પગારની રકમ ચાઉં કરી જવામાં આવી છે. કોંગ્રેસે આ વિશ્વાસઘાત અને નાણાકીય ઉચાપત કરનારાઓ તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય તમામ લોકો સામે તટસ્થ તપાસ કરી કડક ફરિયાદ નોંધવાની માંગ કરી છે.
ભૂતકાળના કૌભાંડોમાં પણ કોઈ કાર્યવાહી ન થયાનો રોષ
આ લેખિત રજૂઆતમાં કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ પાલિકા તંત્રની અગાઉની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે. રજૂઆતમાં યાદ અપાવવામાં આવ્યું છે કે ભૂતકાળમાં પાલિકામાં સિમેન્ટની થેલીઓ પથ્થર બની ગયેલી પકડાઈ હતી, ત્યારે કમિશનર દ્વારા સમિતિ બનાવીને કાર્યવાહી કરવાની ખાતરી અપાઈ હતી, પરંતુ હજુ સુધી તેની કોઈ જ માહિતી કોંગ્રેસને અપાઈ નથી. આ ઉપરાંત મોરબી શહેર કોંગ્રેસ દ્વારા અગાઉ કલમ 45 ડી, આવાસ યોજના અને નંદીઘર મામલે પણ લેખિત રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરાયા નથી. અંતમાં કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે અગાઉની તપાસની જેમ આ વર્કશોપ વિભાગના કૌભાંડમાં પણ ભીનું સંકેલી ન લેવામાં આવે અને તેમાં સમાવિષ્ટ તમામ લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.











