મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દયે તેવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 13 વર્ષની દીકરી અને માતા ઉપર મકાન માલિકે દુષ્કર્મ આચર્યું છે. જો કે આ પાપ મકાન માલિકે સગીર દીકરીના પિતાની મંજૂરીથી જ આચર્યું હોવાનું ખુલતા ફિટકાર વર્ષી રહ્યો છે.
આજથી 6 મહિના પહેલા મોરબીમાં મજૂરી કામ અર્થે આવેલા પરિવારના પતિએ એક મકાન માસિક 2000 રૂપિયાના ભાડે રાખ્યું હતું. પતિ પાસે કામધંધો ન હોવાથી મકાનનું ભાડું ચડી ગયું હતું. ચડત ભાડાની આડમાં ભાડુઆત પતિની સંમતિથી મકાન માલિકે તેની પત્ની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.
આટલેથી ન અટકતા મકાન માલિકની નજર 13 વર્ષ અને 7 માસની સગીર વયની દીકરી પર બગડી હતી. મકાન માલિકે ચડત ભાડાનું દબાણ કરી અને પિતાની સંમતિથી આ સગીર દીકરીને મજબૂર કરી, લલચાવી ફોસલાવીને તેની સાથે પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં મકાન માલિકે પત્ની અને સગીર દીકરી સાથે પોતાના રહેણાંક મકાને, આરોપીના મકાને તેમજ ટંકારા ખાતે અન્ય એક સાહેદના મકાને દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત અન્ય એક સહ આરોપીએ પણ પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું.










