મોરબી: ઓનલાઈન દવાઓના વેચાણ (ઈ-ફાર્મસી) અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતા ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં આગામી 20 મે 2026ના રોજ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ (AIOCD) દ્વારા દેશવ્યાપી એક દિવસીય બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધને મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પણ સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. આ મુદ્દે એસોસિએશન દ્વારા મોરબી કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ઈ-ફાર્મસીઓનું બેફામ સંચાલન, કોર્પોરેટ કંપનીઓ દ્વારા અપાતું પ્રીડેટરી પ્રાઈસિંગ અને કોવિડ સમયના નોટિફિકેશન GSR 220(E)ના સતત અમલીકરણના કારણે દેશભરના આશરે 12.40 લાખ કેમિસ્ટ અને તેમના પર નિર્ભર 5 કરોડ લોકોની આજીવિકા જોખમમાં મુકાઈ છે. સાથે જ નોટિફિકેશન GSR 817(E) પાછું ખેંચવાની પણ માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત ઓનલાઈન દવાઓના વેચાણથી જાહેર આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થતો હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. એસોસિએશનના જણાવ્યા મુજબ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ, નકલી પ્રિસ્ક્રિપ્શનનો ઉપયોગ તેમજ એન્ટીબાયોટીક્સ અને નશાકારક દવાઓની સરળ ઉપલબ્ધતા જેવા પ્રશ્નો ચિંતાજનક છે. દર્દી અને ફાર્માસિસ્ટ વચ્ચે સીધો સંપર્ક ન હોવાથી નકલી અથવા ખરાબ રીતે સ્ટોર કરાયેલી દવાઓનું જોખમ પણ વધી રહ્યું છે.
મોરબી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ કિરણ મહેશ્વરી અને સેક્રેટરી જયેશ ટોળીયા સહિતના હોદ્દેદારો દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સમક્ષ ગેરકાયદેસર ઈ-ફાર્મસીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. આગામી 20 મેના રોજ મોરબીના 200થી વધુ મેડિકલ સ્ટોરમાંથી 150થી વધુ મેડિકલ સ્ટોર બંધ પાળી વિરોધ નોંધાવશે.
જો કે, દર્દીઓને કોઈ અગવડતા ન પડે તે માટે શહેરના કેટલાક મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવશે. જેમાં ડૉ. કુસુમબેન અમૃતલાલ દોશી મેડિકલ, ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ, સમર્પણ હોસ્પિટલ, આયુષ મેડિકલ સ્ટોર, સિટી મેડિસિન્સ, સદભાવના મેડિકલ સ્ટોર અને અશોક મેડિસિન્સનો સમાવેશ થાય છે.











