મોરબી જિલ્લામાં આવકના દાખલા મેળવવાની નવી પ્રક્રિયાને કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા તારીખ 18/02/2026ના રોજ બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને માનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી. ઠોરીયાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી યોગ્ય સુધારા કરવાની માંગ ઉઠાવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક SJED/MIS/e-file/17/2026/0423/A Section મુજબ હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવકના દાખલા આપવા માટે માત્ર તાલુકા વિકાસ અધિકારી (TDO) અને શહેરી વિસ્તારોમાં મામલતદારને જ સત્તાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ સ્થાનિક સ્તરે તલાટી-કમ-મંત્રી સહિતના અધિકારીઓ મારફતે આ કામગીરી ઝડપથી પૂર્ણ થતી હતી, પરંતુ હવે સમગ્ર પ્રક્રિયા તાલુકા અને મામલતદાર કચેરી સુધી મર્યાદિત થતા અરજીઓનો બોજો વધ્યો છે અને કામગીરી ધીમી પડી છે.
આ નવી વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, કોલેજ એડમિશન તેમજ વિવિધ સરકારી યોજનાઓમાં સમયસર લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ખાસ કરીને ગ્રામ્ય અને ગરીબ વર્ગના લોકોને વારંવાર તાલુકા કચેરી સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. અગાઉ ગામ સ્તરે સરળતાથી પૂર્ણ થતી પ્રક્રિયા હવે કેન્દ્રિત થતાં લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
માનસર ગ્રામ પંચાયત દ્વારા પ્રજાહિતને ધ્યાનમાં રાખીને અગાઉની જેમ તલાટી-કમ-મંત્રીને આવકના દાખલા પ્રક્રિયામાં સત્તા અથવા ભલામણ અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત તાલુકા સ્તરે વધારાના સત્તાધિકારીઓની નિમણૂક કરીને અરજદારોને સમયસર સેવા મળે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.











