Tuesday, May 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નંદીઘરમાં ઘાસચારો અને પાણીના અભાવે નંદીઓના મોત? કોંગ્રેસના આગેવાનોના ગંભીર આક્ષેપ

મોરબી નંદીઘરમાં ઘાસચારો અને પાણીના અભાવે નંદીઓના મોત? કોંગ્રેસના આગેવાનોના ગંભીર આક્ષેપ

મોરબીના નંદીઘરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કથિત ભ્રષ્ટાચારને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (સૌરાષ્ટ્ર ઝોન) ના પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજા અને અન્ય કોંગ્રેસના આગેવાનોએ નંદીઘરની મુલાકાત લેતા અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે. 9 થી વધુ નંદીઓ મૃત અવસ્થામાં મળી આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મૃતદેહોના નિકાલમાં બેદરકારી અને ગેરવહીવટ

કોંગ્રેસના આગેવાનોને મળેલી માહિતી મુજબ નંદીઘરની મુલાકાત લેવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ગત 12 તારીખની રાત્રે મરણ પામેલા નંદીઓને આટલા દિવસો વીતવા છતાં હજુ સુધી દફનાવવામાં આવ્યા નથી. મુલાકાત દરમિયાન ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે નંદીઘરની નિભાવણી કરતી સંસ્થા દ્વારા 3 માનસિક અસ્થિર લોકોને કામગીરી પર રાખવામાં આવ્યા છે, જે સંપૂર્ણપણે ગેરવ્યાજબી હોવાનો આક્ષેપ કરાયો છે.

900 નંદીઓ સામે 700 મણ ઘાસચારાની જરૂરિયાત, પરંતુ સંગ્રહનો અભાવ

હાલમાં નંદીઘરમાં 900 જેટલા નંદીઓ રાખવામાં આવ્યા છે. નિયમ મુજબ પ્રતિદિન એક નંદી દીઠ 15 કિલો ઘાસ આપવાનું હોય છે, જે ગણતરીએ રોજનું 700 મણ ઘાસ આપવાનું થાય છે. પરંતુ હકીકતમાં ત્યાં પૂરતો જથ્થો સંગ્રહિત નથી. ધોમધખતા તાપમાં પીવાના પાણીના અવાડા પણ ખાલીખમ જોવા મળ્યા હતા, જેના કારણે અબોલ જીવો ભૂખ્યા અને તરસ્યા મરી રહ્યા છે. આવનારા ચોમાસામાં પરિસ્થિતિ વધુ વણસે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે અને અગાઉની જેમ નંદીઓ ક્રૂરતાથી મૃત્યુ પામે અને નંદીઘરને તાળા વાગે તેવી પરિસ્થિતિના નિર્માણનો ડર સતાવી રહ્યો છે.

કોર્પોરેટરોની કામગીરી પર સવાલ અને ઉગ્ર આંદોલનની ચીમકી

કોંગ્રેસ પ્રવક્તા દેવેન્દ્રસિંહ જાડેજાએ મોરબીના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, તેઓ માત્ર નમો વનની મુલાકાત લઈ પ્રચાર પ્રસાર કરે છે, તેના બદલે નંદીઘરની મુલાકાત લઈ વાસ્તવિક પરિસ્થિતિ લોકો સુધી પહોંચાડી અને ત્યાં વ્યવસ્થા કરી સાચી સેવા કરવી જોઈએ. તેઓએ સરકાર, કોર્પોરેશન અને નિભાવણી કરતી સંસ્થાના પાપે મરી રહેલા નંદીઓને બચાવવા મોરબીની સેવાભાવી સંસ્થાઓ અને ગૌ સેવકોને આગળ આવવા અપીલ કરી છે. વધુમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ અબોલ જીવો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો પશુઓ પર થતી આ ક્રૂરતા સાંખી લેવામાં નહીં આવે અને તમામ નંદીઓને ખુલ્લામાં છૂટા મૂકી દેવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments