મોરબીમાં મકાન ભાડું ન ચૂકવી શકવાની મજબૂરીનો લાભ ઉઠાવીને મકાન માલિક દ્વારા માતા અને સગીર પુત્રી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ જઘન્ય અપરાધમાં સગીરાના પિતાએ પણ મકાન માલિકને આવું કરવા માટે મંજૂરી આપી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ સમગ્ર મામલે હવે રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) દ્વારા સુઓમોટો (સ્વયં) સંજ્ઞાન લેવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર પાસે જવાબ માંગવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગુજરાતના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક (DGP) ને પત્ર લખીને આ મામલે તાત્કાલિક, નિષ્પક્ષ અને સમયબદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યા છે. આયોગ દ્વારા આ કેસમાં 7 દિવસની અંદર વિસ્તૃત એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
આયોગે પોલીસ પાસે FIRમાં લગાવવામાં આવેલી કલમો, BNS અને POCSO એક્ટ હેઠળ કરવામાં આવેલી કાર્યવાહી, આરોપીઓની ધરપકડ, તપાસની હાલની સ્થિતિ, મેડિકલ અને ફોરેન્સિક તપાસ અંગેનો સંપૂર્ણ અહેવાલ માંગ્યો છે. આ સાથે જ પીડિત માતા-પુત્રીને મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ, કાનૂની સહાય, સુરક્ષા, પુનર્વસન અને વળતર અંગે શું પગલાં લેવામાં આવ્યા છે તેની પણ માહિતી માંગી છે.
આ ઉપરાંત, મહિલા આયોગે નિર્દેશ આપ્યા છે કે આ મામલામાં અન્ય કોઈ પણ વ્યક્તિની ભૂમિકા, સંરક્ષણ અથવા સહયોગ અંગે પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવે. આર્થિક રીતે નબળી મહિલાઓ અને બાળકોનું શોષણ અટકાવવા માટે અસરકારક પગલાં લેવા પણ જણાવાયું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે આ ઘટનાની કડક નિંદા કરતા સ્પષ્ટ કર્યું છે કે મહિલાઓ અને બાળકો વિરુદ્ધ આવું અમાનવીય કૃત્ય કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી થવી જ જોઈએ. નોંધનીય છે કે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા મહિલાઓની મદદ માટે હેલ્પલાઇન નંબર 14490 પણ કાર્યરત છે.










