મોરબી: મોરબી તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના અન્ય મહત્વના પદો માટે નામોની જાહેરાત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ નવી નિમણૂક અંતર્ગત મોરબી તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે તુલસીબેન કેતનભાઇ મારવણિયાની વરણી કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી હેતલબા રાજદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. આ બંને મહિલા આગેવાનો હવે પંચાયતનું સુકાન સંભાળશે.
આ બે મુખ્ય પદો ઉપરાંત પંચાયતના અન્ય 3 મહત્વના હોદ્દાઓ પર પણ નિમણૂકો સંપન્ન થઈ છે. જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે સંદિપભા ભુપતભા ગુઠડાની નિમણૂક કરવામાં આવી છે. તેમજ પક્ષના નેતાની જવાબદારી કૈલાસબેન મહેશભાઇ કાલરીયાને અને દંડક તરીકેની જવાબદારી ચંદુભાઈ ત્રિભોવનભાઇ શેરશીયાને સોંપવામાં આવી છે. મોરબી તાલુકા પંચાયતની આ નવી ટીમ જાહેર થતા જ તેમના સમર્થકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા વરાયેલા આ તમામ 5 હોદ્દેદારોને તેમના કાર્યકરો દ્વારા ફૂલહાર પહેરાવીને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.












