નાના અને સીમાંત ખેડૂતોને બરબાદ કરતા બાયપાસના વિરોધમાં મોરબીમાં નીકળી ‘ખેડૂત આક્રોશ રેલી’ : નેશનલ હાઇવે ઓથોરિટી સાથે ટૂંક સમયમાં બેઠક યોજી પ્રશ્નનો ઉકેલ લાવવાની જિલ્લા કલેક્ટરની તૈયારી
મોરબી : માળિયા મિયાણા તાલુકાના જશાપર ગામ પાસેથી નીકળતા બાયપાસ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી મોરબીમાં ખેડૂત આક્રોશ રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે. જેમાં NH151A (માળિયા-પીપળિયા માર્ગ) માટે જશાપર ગામની સીમમાંથી પસાર થતા પ્રસ્તાવિત નવા બાયપાસ રોડના જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ખેડૂતોની રજૂઆત છે કે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટને કારણે ગામના ખેડૂત પરિવારોને અતિ ગંભીર નુકસાન થવાની શક્યતા છે.
આવેદનમાં જણાવાયું છે કે પ્રાંત અધિકારી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર (NHAI) સાથે થયેલી વાતચીત મુજબ, મોટીબરાર ગામ પાસે આવેલા વળાંકને ટાળવા માટે આ નવો રોડ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. પરંતુ ખેડૂતોના જણાવ્યા મુજબ, પીપળિયા ચાર રસ્તાથી માળિયા સુધીનો જૂનો હાઇવે પહેલેથી જ અસ્તિત્વમાં છે અને તેના નવીનીકરણ માટે જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થઈ તેના કપાતનું આંશિક વળતર જુલાઈ 2022 ના રોજ ચૂકવાઈ પણ ગયું છે. હાલની જમીન સંપાદન અને નવા બનવા જઈ રહેલા રોડ વચ્ચેનું અંતર અંદાજિત 1 કિલોમીટરથી પણ ઓછું હોવાથી કુલ લંબાઈમાં માત્ર નજીવો ફેરફાર થાય છે. જૂના રોડ માટે ચૂકવણું થઈ ગયું હોવા છતાં આ નવો બાયપાસ કાઢવાનો કોઈ અર્થ સરતો નથી તેવો ખેડૂતોનો દાવો છે.
આ નવા પ્રોજેક્ટને કારણે ખેડૂતોની આજીવિકા પર સીધી અસર પડશે જેઓ સંપૂર્ણપણે ખેતી પર આધારિત છે. આ બાયપાસ રોડ બનવાથી 15 ખેડૂતોની આશરે 101 વીઘા જેટલી જમીન કપાતમાં જશે. અમુક ખેડૂતોની જમીન સંપૂર્ણપણે સંપાદિત થઈ જશે, જ્યારે બાકીના ખેડૂતોની વધેલી થોડી-ઘણી જમીન ખેતી માટે બિન-ઉપયોગી બની જશે. વધુમાં, રોડ બનવાથી પાણીનો ભરાવો થશે, જેના કારણે 500 થી વધુ વીઘા ખેતીલાયક જમીન ડૂબ વિસ્તારમાં જવાની પૂરી સંભાવના છે. આ ગંભીર પરિસ્થિતિને કારણે પ્રભાવિત ખેડૂત પરિવારોને સ્થળાંતર કરવાની ફરજ પડે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
આ જ પ્રશ્ન જશાપર ગામની સાથે ચાંચાવદરડા ગામમાં પણ ઉભો થયો હતો. જે બાબતે બંને ગામો દ્વારા અરજી આપવામાં આવી હતી. જેના આધારે NHAI દ્વારા ચાંચાવદરડા ગામને આ નવા પ્રોજેક્ટમાંથી બાકાત રાખીને જૂનો રોડ જ મંજૂર રાખી તેમની અરજી સ્વીકારવામાં આવી છે.
જશાપર ગામના ખેડૂતોની માંગ છે કે જો બંને ગામનો એક જ પ્રશ્ન હોય અને ચાંચાવદરડાની અરજી મંજૂર કરવામાં આવી હોય, તો તેમના ગામ માટે પણ યોગ્ય ફેરવિચારણા થવી જોઈએ. અગાઉ પણ આ બાબતે યોગ્ય કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોએ અંતે ખેડૂત ખાતેદારોની સહીઓ સાથે નવો પ્રસ્તાવિત રોડ રદ્દ કરી, તેની જગ્યાએ જૂના રોડને જ વિસ્તૃત કરવા પ્રબળ માંગ કરી છે. આ રજૂઆતને અતિ-ગંભીરતાથી લઈ યોગ્ય અને ન્યાયસંગત નિર્ણય લેવાય તેવી ખેડૂતોની વિનંતી છે.












