રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા રહેશે ઉપસ્થિત: કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં યોજાઈ સમીક્ષા બેઠક; તમામ તાલુકા મથકોએ પણ નક્કી કરાયા સ્થળો
મોરબી: આગામી 21 જૂનના રોજ ‘વિશ્વ યોગ દિવસ’ ની મોરબી જિલ્લામાં વ્યાપક સ્તરે ઉજવણી કરવાના સુચારુ આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મોરબી જિલ્લા કક્ષાનો મુખ્ય યોગ દિવસનો કાર્યક્રમ શ્રમ અને રોજજ્ગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવનાર છે. જે અન્વયે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત તમામ સંબંધિત વહીવટી વિભાગોના અધિકારીઓને કાર્યક્રમ સ્થળે સ્ટેજ વ્યવસ્થા, સુદ્રઢ બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, પાર્કિંગ સુવિધા, ટ્રાફિક નિયમન અને અન્ય તમામ મહત્વની આનુસંગિક વ્યવસ્થાઓ સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કલેક્ટર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકનું સંચાલન કરી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જરૂરી સૂચનો કર્યા હતા.
કયા તાલુકામાં કયા સ્થળે યોજાશે યોગ દિવસના કાર્યક્રમો?
સમગ્ર જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા સ્તરે પણ કાર્યક્રમોના સ્થળો નિયત કરવામાં આવ્યા છે, જેની વિગતો નીચે મુજબ છે:
મોરબી મહાનગરપાલિકા: દેવ ફાર્મ ખાતે કાર્યક્રમ યોજાશે.
ટંકારા તાલુકા અને નગરપાલિકા: ઓરપેટ કન્યા વિધાલય ખાતે સંયુક્ત કાર્યક્રમ યોજાશે.
હળવદ: મહર્ષિ ગુરુકુળ ખાતે કાર્યક્રમ યોજાશે.
વાંકાનેર: ટાઉનહોલ ગ્રાઉન્ડ (માર્કેટ ચોક) ખાતે કાર્યક્રમ યોજાશે.
માળિયા : સત્યસાંઈ વિધામંદિર (પીપળીયા ચાર રસ્તા) ખાતે સંયુક્ત કાર્યક્રમ યોજાશે.
બેઠકમાં આ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નવલદાન ગઢવી, મોરબી પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જૈતાવત, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોની અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.











