Saturday, June 20, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજેતપર ખેડૂત આંદોલન : 15 ખેડૂતોનું મુંડન, વીજ કંપનીઓનું ‘બારમું’ અને ‘પિંડદાન’...

જેતપર ખેડૂત આંદોલન : 15 ખેડૂતોનું મુંડન, વીજ કંપનીઓનું ‘બારમું’ અને ‘પિંડદાન’ કરી રોષ ઠાલવ્યો

મોરબી: જેતપર ગામમાં વીજ કંપનીઓ દ્વારા યોગ્ય વળતર ચૂકવ્યા વિના ખેડૂતોની જમીનમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન સતત ઉગ્ર બની રહ્યું છે. ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહેલા આંદોલનના પાર્ટ-2ના ત્રીજા દિવસે આજે 15 જેટલા ખેડૂતો દ્વારા મુંડન કરાવી અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અદાણી સહિતની વીજ કંપનીઓની મનમાની સામે રોષ વ્યક્ત કરવા માટે જેતપર તથા આસપાસના ગામોના ખેડૂતો ઉપવાસ છાવણી ખાતે એકત્ર થયા હતા. અહીં 15 ખેડૂતો દ્વારા મુંડન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતોે પ્રતીકાત્મક રીતે વીજ કંપનીઓનું ‘બારમું’ અને ‘પિંડદાન’ કર્યું હોવાનું જણાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી.

આંદોલનકારી ખેડૂત નિતેશ જાકાસણિયાએ જણાવ્યું હતું કે, વીજ કંપનીઓ ખેડૂતોના વિરોધની અવગણના કરીને દાદાગીરીપૂર્વક કામગીરી કરી રહી છે. ખેડૂતો દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કંપનીઓ કામ બંધ કરતી નથી. કંપનીના અધિકારીઓ ખેડૂતોને કોર્ટમાં જવા માટે કહે છે અને બીજી તરફ પોતાની કામગીરી યથાવત્ રાખે છે. અન્ય ખેડૂત આગેવાનોએ પણ કંપનીઓની મનમાની સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કંપનીઓ કોઈની વાત સાંભળતી નથી અને બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરોમાં પ્રવેશીને કામગીરી કરે છે. જેના કારણે ખેડૂતો કંટાળીને હવે આ પ્રકારના વિરોધ કાર્યક્રમો કરવા મજબૂર બન્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ લગભગ 20 જેટલા ખેડૂતોના ખેતરોમાં મહાકાય વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું છે. ઉપવાસ છાવણી ખાતે દરરોજ રાત્રે રામધૂન, લોકડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ લડાઈ હવે માત્ર જેતપર ગામ પૂરતી સીમિત રહી નથી, પરંતુ આસપાસના અનેક ગામોના ખેડૂતો પણ આંદોલનને સમર્થન આપી જોડાઈ રહ્યા છે, જેના કારણે આંદોલન દિવસેને દિવસે વધુ મજબૂત બની રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments