મોરબી: મોરબીમાં પીડિત મહિલાઓની વહારે આવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયેલી પરિણીતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
તારીખ 24/06/2026 ના રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, મોરબી વીશીફાટક પાસે એક અજાણી મહિલા છેલ્લા કેટલાક કલાકથી એકલા અને ગભરાયેલી હાલતમાં બેઠા છે અને સતત રડી રહ્યા છે. આ માહિતીના આધારે 181 ના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શીતલબેન પટેલ તેમજ પાયલોટ વિરમભાઇ જીડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
અભયમ ટીમે મહિલાને સાંત્વના આપી ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. જેમાં મહિલાએ જણાવ્યું હતું કે, આ તેના બીજા લગ્ન છે અને લગ્નના 4 વર્ષ થયા છે. તેના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરીને તેની સાથે અવારનવાર મારઝૂડ કરે છે અને શારીરિક-માનસિક ત્રાસ આપે છે. આ રોજબરોજના ત્રાસથી કંટાળીને તે કોઈને પણ જણાવ્યા વગર ઘર છોડીને નીકળી ગઈ હતી.
ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાના પતિ અને સાસુનો સંપર્ક કરીને યોગ્ય આધાર પુરાવા મેળવવામાં આવ્યા હતા. ટીમે બંને પક્ષોને સામસામે બેસાડીને લાંબી સમજાવટ કરી હતી અને પોલીસ સ્ટેશન તથા કાયદાકીય જોગવાઈઓ વિશે માહિતી આપી હતી. પતિને ભવિષ્યમાં પત્ની સાથે મારઝૂડ કે અયોગ્ય વર્તન ન કરવા બાબતે સૂચના આપવામાં આવી હતી.
અંતે, લાંબી સમજાવટ બાદ મહિલાએ ફરી ક્યારેય ઘર છોડીને ન જવાનો સંકલ્પ કર્યો હતો અને રાજીખુશીથી પરિવાર સાથે રહેવા સંમતિ દર્શાવી હતી. અભયમ ટીમે મહિલાને સહી-સલામત તેના પરિવારને સોંપતા, પત્નીને હેમખેમ પરત મેળવી પતિએ 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.











