વિવેકાનંદનગર પાસે બાવળની કાંટમાં છુપાવેલી સ્વિફ્ટ કારમાંથી 222 બોટલ દારૂ મળ્યો, કારમાં ખોટી નંબર પ્લેટ હોવાનો ખુલાસો, આરોપી જીતુભા જાડેજા સામે ગુનો દાખલ
માળિયા (મિયાણા) : માળિયા (મિયાણા) તાલુકાના મોટા દહીંસરા ગામના વિવેકાનંદનગર પાસે જાહેરમાં બાવળની કાંટમાં રાખેલ સ્વિફ્ટ કારમાંથી મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 222 બોટલો સાથે કુલ 7,03,554 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ, ભુજ અને મોરબી પોલીસ અધિક્ષકની સૂચનાથી પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ માળિયા (મિયાણા) વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં બાતમી મળી હતી કે જીતુભા જીવુભા જાડેજા (રહે. મોટા દહીંસરા વિવેકાનંદનગર) પોતાની કબજા ભોગવટાવાળી સ્વિફ્ટ કાર (નંબર GJ10BG5225) માં વિદેશી દારૂનો જથ્થો ભરીને વિવેકાનંદનગર પાસે એક બાવળની કાંટ પાસે રાખી છે.
આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્વિફ્ટ કારમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 222 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ ભરેલી કારના એન્જિન નંબર અને ચેસીસ નંબરના આધારે મોબાઈલ ફોનમાં ‘પોકેટકોપ’ એપ્લિકેશન મારફતે તપાસ કરતા સ્વિફ્ટ કારની નંબર પ્લેટ ખોટી હોવાનું જણાયું હતું. આરોપીએ આ નંબર પ્લેટ ખોટી હોવાનું જાણતા હોવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ગાડીમાં લગાડેલ હોવાથી, આરોપી જીતુભા જાડેજા સામે પ્રોહિબિશન ધારા અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ માળિયા (મિયાણા) પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસે 4,03,554 રૂપિયાનો દારૂ અને 3,00,000 રૂપિયાની કાર મળી કુલ 7,03,554 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને પકડવા તથા વધુ તપાસ હાથ ધરી છે.











